તાપી : વ્યારામાં ખાતર અને બિયારણનાં વેપારીઓને ત્યાં તપાસ કરી કસૂરવારો સામે પગલાં ભરવાની માંગ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આવેલ એગ્રો સેન્ટરોમાં વેચાતા ખાતર અને બીયારણની તપાસ કરવા આદિવાસી ખેડુત સમાજ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપી માંગ કરવામાં આવી.
આદિવાસી ખેડુત સમાજ દ્વારા આજરોજ તાપી કલેક્ટરને આવેદન પત્ર આપી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ , વ્યારા ખાતે આવેલ એગ્રો સેન્ટરોમાં વેચાણ કરવામાં આવી રહેલ ખાતર તેમજ બિયારણની તપાસ કરી ગેરરીતિ કરનાર એગ્રો સેન્ટરોનાં લાયસન્સ રદ કરી ફોજદારી કાર્યવાહી હાથ ધરવા માંગ કરી છે. આદિવાસી ખેડુત સમાજ દ્વારા અપાયેલ આવેદન પત્રમાં જણાવાયું છે કે, તાપીમાં ચાલતા એગ્રો સેન્ટરોમાં તાપી જિલ્લાના આદિવાસી ખેડૂત મિત્રોને ખેતી માટે એક્સપાયરી તારીખ વગરના અને બગડેલા બિયારણો આપવામાં આવે છે. એગ્રો સેન્ટરોને જાણ કરવામાં આવે તો ધાક ધમકીઓ આપે છે અને કહે છે કે તમને લીઘેલ બિયારણના પ૦ % જ રકમ આપીએ પૂરેપૂરી રકમ આપવામાં આવશે નહિ. અને ખાતરોના વેચાણમાં પણ આવી ગોબાચારી અને ભ્રષ્ટ્રાચાર ચાલી રહયા છે. તાજેતરમાં આવા બનાવો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, વ્યારામાં બનેલ છે જેથી તમામ એગ્રો સેન્ટરો પર બિયારણ અને ખાતરના સ્ટોકની તપાસ કરવામાં આવે અને સને ૨૦૧૯-૨૦માં વેચાણ કરેલ બિયારણ ખાતરની સેલ્સ ટેકસ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે અને ગેરરીતિ જણાય તો તાત્કાલિક એગ્રો સેન્ટરોના લાયસન્સ રદ કરી ફોજદારી કાર્યવાહી કરવામાં આવે એવી અમારા સંગઠન વતી માંગણી કરીએ છીએ.
આવેદન પત્રમાં ચિમકી ઉચ્ચારવામાં આવી છે કે, તાત્કાલિક કાર્યવાહી કરવામાં ન આવે તો આદિવાસી ખેડૂત સમાજ ખેડૂતોને સાથે લઈ ઉગ્ર આંદોલન કરશે તેની તમામ જવાબદારી વહીવટી તંત્રની રહેશે.