અધિક કલેક્ટરશ્રી ભરતભાઈ વહોનીયાએ ખુબજ સાદગીપૂર્વક એન્જીનીયર પુત્રના લગ્ન કર્યા : બળદ ગાડામાં જાન : આદિવાસી સમાજ સાથે અન્ય સમાજ માટે પણ પ્રેરણાદાયી

Contact News Publisher

(માહિતિ વિભાગ દ્વારા, તાપી)  :  મુળ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલ ગુલતોરા ગામના વતની અને હાલ તાપી જિલ્લામાં વ્યારા ખાતે અધિક નિવાસી કલેક્ટર તરીકે ફરજ બજાવતા શ્રી ભરતભાઈ બી.વહોનીયાએ તેમના બી.ઈ.સીવીલ એન્જીનીયર પુત્રના લગ્ન ધામધુમથી ખરા પણ ખુબજ સાદગીપૂર્વક સંપન્ન કરી આદિવાસી સમાજ સાથે અન્ય સમાજને પણ પ્રેરણાદાયી સંદેશો પહોંચાડવાનો વિનમ્ર પ્રયાસ કર્યો છે.

આ લગનની વિશેષતા એ હતી કે, તેમાં કેટલીક હકારાત્મક બાબતો આંખે ઉડીને વળગે એવી હતી જેવી કે, લોકોનો મસમોટો જમાવડો-ફાલતુ ખર્ચ-ખોટો દેખાડો કર્યા વગર, કોવિદ-૧૯ની ગાઈડ લાઈન ધ્યાન રાખીને માસ્ક વિતરણ,સેનેટાઈઝની વ્યવસ્થા રાખવા સાથે આમંત્રિત મહેમાનોને કોઈ બીડી-સીગારેટ-તમાકુ યા કોઈ પણ પ્રકારે વ્યસન ઉત્તેજક ચીજ-વસ્તુઓ સર્વ કર્યા વગર, નોતના પ્રસંગમાં અને જાનમાં ડી.જે.નહીં વગાડતા આદિવાસીઓના પરંપરાગત વાદ્યો ઢોલ-કુંડી-થાળી અને શરણાઈ સાથે મોટરકાર-વાહનનો કાફલો પણ નહીં પરંતુ વર્ષો જુના રીત-રિવાજોને અનુસરીને વરરાજાને બળદ ગાડામાં અને જાનૈયાઓને પગપાળા ચાલતા જાન લઈ જઈને ખુબજ સાદાઈથી પુત્રના લગ્નોત્સવને સાચા અર્થમાં આદિવાસી ઉત્સવ તરીકે મનાવી શ્રી ભરતભાઈ વહોનીયાએ આદિવાસી સમાજને કુરિવાજો, વ્યસનો અને દેખાદેખીથી દુર રહી પોતાની મુળ પરંપરાગત સંસ્કૃતિને કેવી રીતે ટકાવી રાખવી તેનો પ્રેરણાદાયી સંદેશો પુરો પાડ્યો છે.

છેલ્લા ત્રણ ચાર દિવસોથી સોશ્યલ મીડીયાના દરેક પ્લેટફોર્મ પર જોરશોરથી શેર થઈ રહેલો સંપૂર્ણ આદિવાસી રીત-રિવાજ મુજબની લગનવિધીનો વાળો આ વિડીયો જોઈને આદિવાસી સમાજમાં ખાસ કરીને યુવાપેઢીમાં ભારે ખુશીની લહેર વ્યાપી ગઈ છે, સાથે લોકો વાહવાહી કરી રહ્યા છે. શ્રી ભરતભાઈ વહોનીયાને પરંપરાગત આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરી રૂઢિગત આદિવાસી સમાજની આગવી ઓળખ સમી સાંસ્કૃતિક ધરોહરને બચાવી તેના સંવર્ધન માટે પ્રોત્સાહિત કરવા બદલ સમગ્ર ગુજરાતના આદિવાસી આગેવાન બાંધવો દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આદિવાસી સમાજને આગળ લાવવા તમામ રીતે સતત કાર્યરત ભરતભાઈ વહોનીયાએ અગાઉ પણ પુત્રીનું લગ્ન પણ દહેજની લેણદેણ વગર કંકુમાં આપીને ગુરૂ ગોવિંદજીનો “કંકુની કન્યા” સંદેશને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો.

આમ તેઓએ સંતાનોના લગ્નમાં આદિવાસી સમાજના રીત-રિવાજ, પરંપરા, સંસ્કૃતિની અદભૂત ઝંખી કરાવતા બળદ ગાડામાં જાન, આદિવાસી પહેરવેશ, ઢોલ-શરણાઈ અને ઓરિજીનલ આદિવાસી નૃત્યોને પ્રોત્સાહન આપીને સમાજને નવો રાહ ચીંધ્યો છે.
જો સમાજના આગેવાનો દ્વારા પણ પોતાના પ્રસંગોમાં આવી પહેલ કરવામાં આવે તો ચોક્કસ આદિવાસી પરંપરા, રીત રિવાજોને ઉજાગર કરીને વિસરાતી જતી આદિવાસી સંસ્કૃતિને બચાવી શકાશે. સાદાઈથી લગ્ન કરીને કેટલાય રૂપિયાની બચત કરી ગરીબ અને તમામને ફાયદો થાય એવી પરંપરા પુનઃપ્રસ્થાપિત કરવાના પ્રયાસ બદલ અધિક કલેક્ટરશ્રી ભરતભાઈ વહોનીયા અને એન્જીનીયર પુત્ર કિરણકુમારને ખુબ ખુબ અભિનંદન…..!
…….

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other