‘વર્લ્ડ ફિશરીઝ ડે’ નિમિત્તે “વાડામાં રંગબેરંગી માલીઓના ઉછેરની સંભવિત શક્યતાઓ” વિષય ઉપર એક દિવસિય પરિસંવાદ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સમગ્ર વિશ્વમાં નવેમ્બર માસની ૨૧ તારીખને ‘વર્લ્ડ ફિશરીઝ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. જેના અનુસંધાને સેન્ટર ફોર એક્સેલેન્સ, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રીની કચેરી ઉકાઈ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા જિ . તાપીના સંયુક્ત આયોજન થકી “વાડામાં રંગબેરંગી માલીઓના ઉછેરની સંભવિત શક્યતાઓ” વિષય ઉપર એક દિવસિય પરિસંવાદનું આયોજન કરાયુ હતું.
કાર્યક્રમના પ્રમુખ સ્થાને શ્રી બિરાજીત સમીરભાઈ આરદેશણા, મદદનીશ મત્સ્ય નિયામકશ્રીએ કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મત્સ્ય વ્યવસાયને લગતી યોજનાઓ વિશે માહિતી આપી હતી કાર્યક્રમના મુખ્ય મહેમાન ડો. સી. ડી. પંડ્યા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા દ્વારા મત્યપાલકોને આ પ્રકારના કાર્યક્રમમાં હાજર રહી સરકારશ્રીની યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા હાંકલ કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં ડો. સ્મિત લેન્ડ, મદદનીશ પ્રાદ્યાપક, કામધેનુ યુનિવર્સિટીએ સ્વાગત પ્રવચન થકી કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને આવકાર્યા હતા. સેલડ ગામના પ્રગતિશીલ મત્સ્યપાલક એવા અશોકભાઈ ગામીતએ મત્સ્યપાલન વ્યવસાય અંગેના પોતાના અનુભવો મત્સ્યપાલકો સમક્ષ જણાવ્યા હતા. તેમજ કેવીકેના પશુપાલન વિભાગના વૈજ્ઞાનિક ડો. જે. બી. બુટાણી પણ હાજર રહી મત્સ્યપાલકોને માર્ગદર્શિત કર્યા હતા. કાર્યક્રમના અંતે શ્રી રાજેન્દ્ર શીંગાળા, ફિશરીઝ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા આભારવિધિ કરી સદર કાર્યક્રમને પૂર્ણ જાહેર કરાયો હતો. સદર કાર્યક્રમમાં આશરે ૬૦ જેટલા મત્સ્યપાલકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.