તાપી જિલ્લામાં સિંચાઈ માટે સરકારે રૂ.૯૨૦ કરોડની ફાળવણી કરી છે – આદિજાતી મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા
ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે અમલી બનાવેલ વિવિધ યોજનાઓથી આજે ગામડાઓમાં શહેરોની સમક્ક્ષ સુવિધાઓ ઉભી થઈ છે
તાપી જિલ્લામાં નિઝરના રૂમકી તળાવ ખાતે મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે અંદાજે રૂપિયા ૧૨.૫૦ કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહર્ત કરાયુ
(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ નિઝર તાલુકાના રૂમકી તળાવ ગામે ડો.શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન અંતર્ગત સાયલા ક્લસ્ટરમાં રૂપિયા ૧૦૭૬.૬૫ લાખ અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂપિયા ૨૫૭ લાખના છ રસ્તાના કામો મળી અંદાજે રૂપિયા ૧૨.૫૦ કરોડના વિવિધ વિકાસ કામોનો આદિજાતી વિકાસ,વન, મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ખાતમુહર્ત વિધિ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે આયોજિત સમારોહમાં પ્રવચન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની કલ્પના છે કે, આત્મા ગામડાનો અને સુવિધા શહેરની. જેને સાર્થક કરવા માટે વડાપ્રધાનશ્રીએ ડો.શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન યોજનાને અમલી બનાવી સમગ્ર દેશમાં ગામડાઓને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યા છે.
અગાઉની સરકારે આદિવાસીઓનો ફક્ત વોટબેંક તરીકે ઉપયોગ કર્યો છે પરંતુ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં ગરીબોની સતત ચિંતા કરતી સરકારે ગામડાંઓના વિકાસ માટે અમલી બનાવેલ વિવિધ યોજનાઓથી આજે ગામડાઓમાં શહેરોની સમક્ક્ષ સુવિધાઓ ઉભી થઈ છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ રૂપિયા ૧,૦૦,૯૫૬ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરી સાચા અર્થમાં આદિવાસીઓના વિકાસને દિશા પૂરી પાડી છે. તાપી જિલ્લામાં સિંચાઈ માટે સરકારે રૂ.૯૨૦ કરોડની ફાળવણી કરી છે. જેના કામો હાલ ચાલી રહ્યા છે. જે પૂર્ણ થતી જિલ્લામાં સમૃધ્ધિના દ્વાર ખુલી જશે. તેમણે વંચિતો, ગરીબોના વિકાસને પ્રાધાન્ય આપી યોજનાકિય લાભો છેવાડાના માનવીને પહોંચાડવા સરકાર પ્રતિબધ્ધ હોવાનું જણાવી ઉમેર્યુ કે, આજે આદિવાસી વિસ્તારોમાં સામાજિક અને માળખાકિય સવલતોની ગુણવત્તામાં સુધારો થયો છે. સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ કલ્યાણ યોજનાઓના સુખદ પરિણામો આજે આપણે જોઈ રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે,શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન અંતર્ગત ફેઝમાં પસંદ થયેલ નિઝર તાલુકાના સાયલા ક્લસ્ટરની પસંદગી કરવામાં આવેલ છે. સદર યોજના હેઠળ કુલ ૧૨ પ્રોજેક્ટ ક્રીટીકલ ગેપ ફંડ(સીજીએફ) હેઠળ રૂપિયા ૧૫ કરોડ તથા ૧૬ પ્રોજેક્ટ ક્ન્વરઝન હેઠળ રૂપિયા ૩૫ કરોડ મળી કુલ રૂપિયા ૫૦ કરોડની રકમ મંજુર કરવામાં આવેલ છે. જે પૈકી મંત્રીશ્રીએ કરેલ ખાતમુહર્તના કામોમાં કંસ્ટ્રક્શન ઓફ ગલ્સ અને બોય્ઝ હોસ્ટેલ રૂ.૬૧૩ લાખ, હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર રૂ.૭૫ લાખ, કૌશલ્ય વર્ધન કેન્દ્રરૂ.૫૯.૨૧ લાખ, રૂરલ મોલ/હાટ બજાર રૂ.૨૫૩ લાખ, ઈ-ગવર્નન્સ કેન્દ્ર અને ટ્રેનીંગ કમ મલ્ટી એકટીવિટી કેન્દ્ર રૂ.૭૭ લાખ તથા કોમ્યુનિટી હોલ રૂ.૭૬ લાખનો સમાવેશ થાય છે.
આ અગાઉ મંત્રીશ્રીએ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ ૨૦૧૯-૨૦ અંતર્ગત મંજુર થયેલ નિઝર તાલુકામાં બોરદા થી ધનોરા ૧.૧૦ કિ.મી લંબાઈનો રસ્તો રૂ.૨૨ લાખ, ભીલજાંબુલી ગુજ્જરપુર એપ્રોચ રોડ, ૩.૮૦ કિ.મી રૂ.૮૦ લાખ, રાયગઢ હનુમાન મંદિર થી પીંપરીપાડા રોડ ૧ કિ.મી રૂ.૩૫ લાખ, પીંપરીપાડા હનુમાન મંદિર થી જોઈનીંગ વેડાપાડા રોડ ૧ કિ.મી રૂ.૩૫ લાખ,સાયલા અને નવીભીલવાલી વચ્ચે કાબરા નદી પર બોક્ષ કલ્વર્ટ અને ડામર રસ્તાનું કામ ૦.૪૦ કિ.મી. રૂ.૫૦ લાખ તથા રૂમકી તળાવથી તાપીખડકલા ભાથીજી મંદિર સુધીનો રસ્તો ૧ કિ.મી રૂ.૩૫ લાખ મળી કુલ રૂ.૨૫૭ લાખના રસ્તાના કામોનું સબંધિત સ્થળ પર જઈને ખાતમુહર્ત કર્યુ હતુ.
આ પ્રસંગે કલેક્ટર આર.જે હાલાણીએ જણાવ્યું હતુ કે, વિકાસના પંથે હરણફાળ ભરી રહેલ તાપી જિલ્લામાં નિઝર તાલુકાના સાયલા કલ્સ્ટરમાં આજે રાજ્યના સંવેદનશીલ મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ અંતરિયાળ ગામડાઓમાં કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કામો થઈ રહયા છે જે સૌના માટે આનંદનો અવસર છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહાસિંઘે સ્વાગત પ્રવચન કરતા ડો.શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન યોજના અંતર્ગત હાથ ધરવામાં આવનાર કામોની જાણકારી આપી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પક્ષ પ્રમુખ ડો.જયરામભાઈ ગામીત, જિ.ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.જે.નિનામા, કાર્યપાલક ઈજનેર પંચાયત આર.એમ પટેલ, નિઝર પ્રાંત અધિકારી દેસાઈ સહિત પદાધિકારી/અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને ઉપસ્થિત રહ્યા હતા. …….