માંગરોળ DGVCL કચેરીનો રેઢીયાર વહીવટ : માંગરોળ ટાઉન વીજ ફીડર પર વારંવાર ત્રિપિંગ : આજે ત્રણ કલાકમાં દશ વાર ત્રિપિંગ : હવે મામલો મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળની પ્રજા અને તાલુકા કક્ષાની કચેરીઓને સતત ૨૪ કલાક વીજપુરવઠો મળી રહે એ માટે મોસાલી વીજ સબસ્ટેશન માંથી માંગરોળ ટાઉન ફીડર ઉભો કરી માંગરોળ અને મોસાલી આ બે જ ગામોને આ વીજ ફીડર પરથી વીજ પુરવઠો આપવામાં આવે છે.પરંતુ આ ફીડરની લંબાઇ આશરે દોઢ કિલોમીટર જેટલી છે.છતાં આજદિન સુધી આ આખા ફીડરનું મેઇન્ટેન્સ કરવામાં આવ્યું નથી.જેને પગલે ૨૪ કલાકમાં અનેક વાર આ ફીડર ઉપર ત્રિપિંગ આવે છે. પરંતુ આજે તારીખ ૯ મી નવેમ્બરનાં રોજ સવારે ૫ વાગ્યાથી ૯ વાગ્યા સુધીમાં દશ વાર ત્રિપિંગ આવતાં પ્રજાજનોની પરેશાની પરાકાષ્ઠાએ પોહચી છે.સવારના સમયે પાણીની મોટરો,અસ્ત્રીની કામગીરી, વોશિંગ મશીન વગેરેનો ઉપયોગ કરવામાં આવતો હોય, વીજ પુરવઠાની જરૂર પડે પરંતુ વારંવાર ત્રિપિંગને પગલે ઇલેક્ટ્રીક ઉપકરણોને વ્યાપક નુકશાન થઈ રહ્યું છે. આ ફીડરના સ્મારકામ માટે અગાઉ માંગરોળ DGVCL કચેરી ખાતે લોકદારબાર યોજાયો હતો.તેમાં આ પ્રશ્નની રજુઆત કરવામાં આવતાં એવું જણાવાયું હતું કે આ ફીડરનું પેટ્રોલીંગ કરી ફીડર ઉપર જે કામગીરી કરવાની હોય તેની યાદી તૈયાર કરી, સતડાઉન લઈ આ ફીડરનું સંપૂર્ણ સ્મારકામ કરવું છતાં આજદિન સુધી આ પ્રશ્ને કોઈ કામગીરી ન કરવામાં આવતાં હાલમાં આ ફીડર ઉપર ત્રિપિંગની સમસ્યા વધી જવા પામી છે. હવે આ પ્રશ્નને દર મહિને તાલુકા મથક ખાતે યોજાતા મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજુઆત કરવામાં આવનાર છે.