વનમંત્રી ગણપતસિંહ વસાવાના પ્રયાસોથી, માંગરોળ અને ઉમરપાડા તાલુકાનાં ખેડૂતોને પાક નુક્શાનનું વળતર ચૂકવાયું
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ચાલુ વર્ષે સુરત જિલ્લામાં સતત વરસાદને પગલે તથા પાછોતર વરસાદને પગલે ખેડૂતોનાં ઉભા પાકને વ્યાપક નુકશાન થવા પામ્યું છે. આ પ્રશ્ને માંગરોળ વિધાનસભા વિસ્તારનાં ધારાસભ્ય અને રાજ્યનાં વનમંત્રી ગણપતસિંહ વસાવાએ રાજ્યનાં મુખ્યમંત્રી તથા કૃષિમંત્રી આર સી ફળદુને સુરત જિલ્લાનાં ખેડૂતોનાં પાકને વ્યાપક નુકશાન થયું હોય, સુરત જિલ્લાને પણ રાહતપેકેજનો પૂરેપૂરો લાભ આપવા રજુઆત કરી હતી. આ પ્રશ્ને સુરત જિલ્લાના માંગરોળ અને ઉમર પાડા તાલુકાનાં ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ અને સંબં ધિત અધિકારીઓની એક બેઠક વનમંત્રીએ બોલાવી ખેડૂતોનાં પાક નુકશાનીના ફોર્મ સમયસર ભરાવી, માંગરોળ તાલુકાનાં ૯૦૬૦ તથા ઉમરપાડા તાલુકાનાં ૩૫૪૪ જેટલાં ખેડૂતોનાં ફોર્મ ભરી ઓન લાઈન ડેટાએન્ટ્રી કરાવવામાં આવી હતી. જેમાંથી તાલુકા વિકાસ અધિકારી દ્વારા માંગરોળ તાલુકામાં ૫૩૨૯ ખેડૂતોને ૮,૧૭,૧૮,૩૨૯ રૂપિયા તથા ઉમરપાડા તાલુકાનાં ૨૭૦૩ ખેડૂતોને ૪,૦૭,૯૮,૯૨૩ રૂપિયા પાક નુકશાની પેટે સહાય ચુકવવામાં આવી છે. બાકી રહેલા ખેડૂતોને સહાયનું ચુકવણું કરવાની કાર્યવાહી ચાલુ છે.