રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં પ્રમુખપદે દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રીપદે સતીશ પટેલનો હેટ્રિક સાથે સતત ત્રીજી વાર ભવ્ય વિજય

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની આગામી ત્રણ વર્ષની મુદત માટેની પ્રમુખ તથા મહામંત્રીના પદ માટે ગાંધીનગર ચાણક્ય ભવન મુકામે યોજાયેલી ચૂંટણીમાં રાજ્યના દરેક જિલ્લાના પ્રમુખ, મહામંત્રી તથા રાજ્ય પ્રતિનિધિઓ મળી કુલ ૫૦૧ મતદારો પૈકી ૪૯૭ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે ૪ મતદારો ગેરહાજર રહ્યા હતા. મતદાનની ટકાવારી ૯૯ ટકા જેટલી રહી હતી. સુરત જિલ્લા ના તમામ ડેલીગેટોએ મતદાન કર્યુ હતું. શનિવારે સવારથી બપોર સુધીની મતદાન પ્રક્રિયાના અંતે બપોર બાદ મતગણતરી હાથ ધરાઇ હતી. આ બાબતે ચૂંટણીપંચના અધ્યક્ષ સંજય પટેલને ટાંકીને વિશેષ માહિતી આપતા ,સુરત જિલ્લાના પ્રમુખ કિરીટભાઈ પટેલના જણાવ્યા મુજબ પ્રમુખ- મહામંત્રીની આ ચૂંટણીમાં કુલ ૪૯૭ મતો પડ્યા હતા. હાઇકોર્ટ મેટરના કારણે અલગ રખાયેલા ૪૦ મતોને બાદ કરતા બાકીના ૪૫૭ મતો પૈકી પ્રમુખપદના ઉમેદવાર દિગ્વિજયસિંહ જાડેજા( જામનગર)ને ૨૫૨ મતો જ્યારે તેમના હરીફ ઉમેદવાર ગિરિશ પટેલ ( સાબરકાંઠા) ને ૧૯૮ મતો મળતાં પ્રમુખ તરીકે દિગ્વિજયસિંહ જાડેજાનો ૫૪ મતે વિજય થયો હતો. ૭ મતો રદ થયા હતા. એ જ રીતે મહામંત્રીના પદ માટે ૪૫૭ મતોમાંથી સતીશ પટેલ ( અરવલ્લી) ને ૨૪૦ જ્યારે તેમના હરીફ ઉમેદવાર નરેન્દ્ર ગોહેલ ( અમદાવાદ)ને ૨૧૨ મતો મળતા મહામંત્રી તરીકે સતીશ પટેલનો ૨૮ મતે વિજય થયો હતો. ૫ મતો રદ થયા હતા. રાજ્યપ્રતિનિધિઓ બાબતે કોર્ટ મેટર થતા બનાસકાંઠાના ૩૧ તથા ગિરસોમનાથ જિલ્લાના ૯ મળી કુલ ૪૦ મતો હાઇકોર્ટની સૂચનાથી અલગ સીલબંધ કવરમાં રખાયા હતા. જેની ગણતરી હાલ કરાઇ નથી. ચૂંટણી અધિકારી દ્વારા હાઇકોર્ટના આખરી ચુકાદાને આધિન રહી પરિણામ જાહેર કરાયું હતું. દિગ્વિજયસિંહ જાડેજા તથા સતીષભાઇ પટેલની વર્તમાન ચાલુ પેનલે પરિવર્તન પેનલના ગિરીશ પટેલ તથા નરેન્દ્ર ગોહેલની હાર થઈ હતી. આમ વર્તમાન પેનલની સતત ત્રીજી ( હેટ્રિક ) જીત હતી. પરિણામ બાદ બન્ને વિજેતા ઉમેદવારોને તેમના ટેકેદારોએ ફૂલહાર પહેરાવી સત્કાર્યા હતા. નવનિયુક્ત પ્રમુખ તથા મહામંત્રીએ પોતાની પેનલને વિજયી બનાવી પુન: તેઓ મા વિશ્વાસ મૂકવા બદલ સર્વે મતદારોનો આભાર માન્યો હતો અને આગામી સમયમાં સૌના સહિયારા પ્રયાસો વડે રાજ્યના પ્રાથમિક શિક્ષકોના બાકી પડતર પ્રશ્નોના ઉકેલ માટે પૂરા પ્રયાસો કરાશે તેવી ખાતરી ઉચ્ચારી હતી તેવું સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ કિરીટ ભાઇ પટેલ તથા મહામંત્રી અરવિંદ ભાઈ એ જણાવ્યું હતું.અત્રે નોંધવું જરૂરી છે કે સુરત જિલ્લા ના પ્રમુખ કિરીટભાઈ પટેલે દક્ષિણ વિભાગના દશ જિલ્લાના ડેલીગેટોને કામરેજ ભેગા કરી પહેેલેથી જ વિજય સમર્થન કાર્યક્રમ કરી,ખરા અર્થમા સારથી ની ભૂમિકા ભજવી હતી.જે બદલ રાજ્ય સંઘના પ્રમુખ- મંત્રી એ કિરીટભાઈનો તેમજ તેઓની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો તથા અન્ય જિલ્લાના પ્રમુખ, મંત્રી ડેલિગેટ ભાઇ, બેહનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other