વ્યારાનાં માળીવાડમાં કોરોના વોરિયર્સ ઉપર હુમલો : સરકારી વાહનની ચાવી કાઢી લેવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): કોરોના મહામારી વચ્ચે સતત પોતાની ફરજ બજાવતા કોરોના વોરિયર્સ એવાં સફાઈ કામદાર ઉપર ખોટી રીતે બોલાચાલી કરી માર મારવાની ઘટના પ્રકાશમાં આવી છે.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ તાપી જીલ્લાના વ્યારા નગર પાલિકા દ્વારા ઘરે ઘરે જઈ કચરો એકઠો કરવાની કામગીરી સફાઈ કામદારો કરે છે જેમાં આજરોજ સવારે દૈવિકભાઈ નટુભાઈ ઢોડીયા ડોર ટુ ડોર કચરો ઉચકવાંની કામગીરી માટે અન્ય કામદારો સાથે નીકળ્યા હતા ત્યારે માલીવાડ વિસ્તારમાં રહેતા તેજસભાઈ વાનખેડે તથા તેમના પરિવારના સભ્યોએ કચરો ઉઘરાવવાની કામગીરી બાબતે બોલાચાલી કરી અને ગાળા ગાળી કરી હતી તેમજ કચરો ભરવાનાં સરકારી વાહન ટ્રેકટરની ચાવી પણ કાઢી લીધી હતી, ટ્રેક્ટરના ડ્રાઇવર મુકેશભાઈ ભોય દ્વારા તેજસભાઈને સમજાવવા જતા તેજસભાઈ વાનખેડે તેમજ બીજા આઠ દસ ઇસમોએ ડ્રાઇવર સાથે મારામારી કરી હતી. સફાઈ કામદાર સાથે બનતી આવી અણછાજતી ઘટના અંગે સફાઈ કર્મચારીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. બનાવ અંગે પાલિકામાં સફાઈ કામ કરનાર દૈવિકભાઈ ઢોડીયાએ વ્યારા પોલીસ મથકે કાર્યવાહી કરવા ફરિયાદ આપી છે.