ઓલપાડમાં અસ્નાબાદ ગામે પી.એચ.સી. સબ સેન્ટરનું ખાતમુહૂર્ત
રૂપિયા 23 લાખના ખર્ચે નવનિર્મિત થનાર પીએચસી ભવનનું ખાતમુહૂર્ત ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલની ઉપસ્થિતિમાં કરાયું
(મહેન્દ્રસિંહ માંગરોલા દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાના અસ્નાબાદ ગામે રાજ્ય સરકાર ની યોજનામાંથી ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલે રૂપિયા 23 લાખની ગ્રાન્ટ મંજુર કરાવતા પ્રા.આ.કેન્દ્ર,કરંજ સબ સેન્ટર નું ખાતમુહૂર્ત ધારાસભ્ય મુકેશ પટેલની ઉપસ્થિતિમાં કરાયું હતું.
આ કાર્યક્રમની શરૂઆતમાં યજમાન દ્વારા ભૂમિ પૂજનવિધિ બાદ ધારાસભ્ય મુકેશ પટેલે જણાવ્યું કે તાલુકાની પ્રજાના તંદુરસ્ત આરોગ્ય માટે હું સદા ચિંતિત હોવાથી મેં રાજ્ય સરકાર માં રજુઆત કરી અસ્નાબાદ ગામે રૂપિયા 23 લાખના ખર્ચે સબ સેન્ટર મંજુર કરાવતા નજીકના દિવસોમાં આ વિસ્તારના લોકોની આરોગ્ય સુવિધામાં વધારો થશે. તેમણે વધુ જણાવ્યું કે મારા ધારાસભ્ય પદની આઠ વર્ષની પ્રજાલક્ષી સેવા દરમ્યાન મેં મંજુર કરાવેલ કામો પૈકી 90 ટકા કામો પૂર્ણ કરેલ હોવાનો આનંદ અનુભવું છું. જેમાં આજનું આ સબસેન્ટર કામનો ઉમેરો થયો છે. જ્યારે મેં અગાઉ મંજુર કરાવેલ ઓલપાડ તાલુકાના કીમ, એરથાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવા ભવનનું હાલમાં બાંધકામ ચાલી રહ્યું છે. તે ઉપરાત તાલુકાની પ્રજાના આરોગ્યની વધુ સુવિધા માટે મેં ઓલપાડ, સાયણ સી.એચ.સી પણ રૂપિયા 36 લાખના સાધનો અપાવ્યાનો ગર્વ અનુભવું છું.તેમણે કોરોના મહામારી વચ્ચે વોરિયર્સની ભૂમિકા ભજવનાર તમામ આરોગ્ય કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે ઓલપાડ તા.પં. પ્રમુખ જયાબેન ભગવાકર,ઉપપ્રમુખ દિપેશ પટેલ,ભાજપ સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલ, ઓલપાડ સરપંચ રાજેશ ચૌધરી, ડે. સરપંચ કૌશિક પટેલ, સભ્ય ગની પટેલ સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આભાર વિધિ ઓલપાડ તાલુકા આરોગ્ય અધિકારી ડો. પ્રશાંત સેલરે કરી હતી.