શેરડીનાં કોલાવાળા ખેડુતોનું શોષણ બંધ નહિ કરે તો આંદોલન કરવાની ભારતીય કિસાન સંઘ ઉચ્છલ દ્વારા ચીમકી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ ભારતીય કિસાન સંઘ દ્વારા ઉચ્છલ મામલતદારશ્રીને આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી છે કે ગોળ બનાવવાના કોલાવાળા પાસેથી શેરડીનાં મહત્તમ ભાવો અપાવો.
આજે તા. 26મીના રોજ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ઉચ્છલ પ્રમુખ શંતિલાલ ગામીત, મંત્રી જયેશભાઈ ગામીત તેમજ શેરડી પકવતા ખેડૂતોએ આજરોજ ઉચ્છલ મામલાતદારશ્રી રૂપસિંહ વસાવાને આવેદન પત્ર આપી નીચે મુજબની માંગ કરી હતી. ઉચ્છલ તેમજ ભીતબુદૃક અને માણેકપુર ગામોમાં ગોળનાં કોલા આવેલા છે, તેમનાં માલિકો દ્વારા ખેડૂતો પાસેથી શેરડી ખરીદવામા આવે છે ત્યારે ખેડુતોને ટન દીઠ 1800 થી 2000 આપવામાં આવે છે. સુગર ફેક્ટરીનાં ભાવ ટન દિઠ 3500 આપવામાં આવે છે, ગણતરી કરતાં ટન દીઠ 1500 થી 1700 નો તફાવત જણાય આવે છે. સુગર ફેક્ટરીમાં કમિશન એજન્ટ પડેલ છે તેઓ પણ ટન દીઠ 1800 થી 2000 ચુકવે છે. જેમાં ખેડુતોનું શોષણ થાય છે. ખેડુતોને સુગર ફેક્ટરીએ જાહેર કરેલ ભાવો આપવા જોઈએ એવી માંગ કરાઈ છે. સાથે જ સુગર ફેક્ટરીનાં ભાવો ખેડુતોને ચુકવવામા નહિ આવે તો આવનારા દિવસોમાં ખેડુતો દ્વારા આંદોલન કરવામાં આવશે એવી ચિમકી આવેદનમાં ઉચ્ચારવામાં આવી છે.