ભરૂચ એસ.ટી. સ્ટેન્ડની બહાર પ્રવેશ દ્વાર પર ચા-નાસ્તાની કેબીનમાં આગ લાગતાં મચેલી દોડધામ : બિનઅધિકૃત કેબીનો કોની મહેરબાનીથી ચાલી રહી છે ?
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ભરૂચ શહેરનાં એસ.ટી. સ્ટેન્ડનું બાંધકામ ચાલુ હોય, હાલમાં જુના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર જ્યાં એસ.ટી.નો ડેપો, વર્કશોપ અને વિભાગ્ય એસ.ટી. નિયામકની કચેરી આવેલી છે. ત્યાં કામચલાઉ એસ. ટી. સ્ટેન્ડ ઉભું કરવામાં આવેલું છે. આ સ્થળની બહારથી જૂનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે.સાથે જ હાલમાં તમામ એસ. ટી. બસો આ કામચલાઉ એસ ટી સ્ટેન્ડ પર આવતી હોય, મુસાફર જનતાની અવર જવર વધુ રહેતી હોય, આ એસ.ટી. સ્ટેન્ડની બહાર પ્રવેશ દ્વારની લગોલગ અનેક ચા, નાસ્તા સહિતની કેબીનો ઉભી કરી દેવામાં આવી છે. સાથે જ આ વિસ્તારમાં અનેક રીક્ષાઓ અને ખાનગી ગાડીઓ તથા મોટરસાયકલો ઉભી રહે છે. ત્યારે આજે તારીખ ૨૬ મી ઓક્ટોબરના રોજ સાંજે ૩.૪૫ કલાકે, પ્રવેશદ્વાર નજીક આવેલી ઓમકેશ્વર ચા-નાસ્તાની કેબીનમાં એકા એક આગ ભભૂકી ઉઠી હતી જેને પગલે એક તબક્કે આ વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. જો કે આસપાસની કેબીન વાળાઓ પાસે જે પાણી હતું એનાં વડે આગને કાબુમાં લીધી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આ સ્થળે કોની મહેરબાનીથી આ બિનઅધિકૃત કેબીનો ચાલી રહી છે. જો આજે આ જે આગ લાગી હતી એમાં જો ગેસનાં બોટલો સળગતે તો કેવી પરિસ્થિતિ ઉભી થઈ હોત એનો કોઈ અંદાજ આવી શકતે નહીં. ભરૂચના જિલ્લા કલેકટર અને ભરૂચ એસ. ટી. વિભાગના વિભાગ્ય એસ.ટી. નિયામક તથા માર્ગ અને મકાન વિભાગનાં અધિકારીઓ આ સ્થળેથી આ કેબીનો દૂર કરે એવી માંગ મુસાફર જનતાએ કરી રહી છે.