માંગરોળ વીજ કચેરીનાં કેટલાંક કામચોર કર્મચારીઓને પગલે ગ્રાહકોની ફરિયાદો સમયસર હલ થતી નથી : ખુદ જિલ્લા પંચાયતના સદસ્યએ RTI હેઠળ નવ પ્રશ્નો પૂછી માંગેલી માહિતી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે નાયબ કાર્યપાલક ઈજનેર કક્ષાની DGVCL ની કચેરી આવેલી છે. આ કચેરીમાં તાલુકાનાં પચાસ કરતાં વધુ ગામોનો સમાવેશ કરવામાં આવેલો છે.સાથે જ ત્રણ વિજ સબસ્ટેશનોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. જેમાંથી માત્ર મોસાલી વિજ સબસ્ટેશનમાંથી તેર જેટલાં જ્યોતિગ્રામ, ખેતીવિષયક અને એક ટાઉન ફીડરનો સમાવેશ થાય છે. સાથે જ માંગરોળ કચેરી ખાતે એક નાયબ કાર્યપાલક ઈજનેર અને ત્રણ જુનિયર ઇજનેરો ફરજ બજાવે છે. આ અધિકારીઓ સારા છે. પરંતુ લાઈન સ્ટાફ સમયસર ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ કરતી નથી. વીજ કંપની એ સ્ટાફને ગ્રાહકોની ફરિયાદો નોંધવા માટે એક મોબાઈલ પણ આપ્યો છે. પરંતુ રાત્રીનાં સમયે જે કર્મચારીઓની નોકરી હોય છે. એ કર્મચારીઓ મોબાઈલ રીસીવ કરતાં નથી. આ પ્રશ્ન સહિત અન્ય પ્રશ્નો અંગે માંગરોળ જિલ્લા પંચાયતની બેઠકના સદસ્ય ચંદુભાઈ વી વસાવાએ RTI દ્વારા નવ જેટલાં પ્રશ્નો મોકલી માહિતી માંગી છે. જેમાં ૨૦૧૯/૨૦૨૦ માં વિજતાર ચોરીની કેટલી અરજીઓ આવેલી છે ? જેમાં ક્યાં ક્યાં ગામોનો સમાવેશ થાય છે? કેટલી ફરિયાદો દાખલ કરાઈ અને ફરિયાદ દાખલ ન કરાઇ હોય તો તેનું કારણ જણાવો, માંગરોળ વીજ કચેરીનાં ગામોમાં કેટલા ટીસી આવેલા છે. એમાં કેટલા ટીસી ઉપર મુકવામાં આવેલા બોક્ષ માં ફ્યુઝ નાંખવાના બાકી છે? ૨૦૧૮ થી ૨૦૨૦ દરમિયાન કાર્યક્ષેત્રનાં ગામોમાં કેટલાં રૂપિયાનું મેઇન્ટેન્સ કામ કરવામાં આવ્યું છે ? કચેરીના કામ માટે કેટલાં વાહનો, કઈ એજન્સી પાસેથી ભાડે રાખવામાં આવ્યા છે ? વગેરે પ્રશ્નોની માહિતી RTI હેઠળ નાયબ કાર્યપાલક ઈજનેર પાસે માંગી છે.