તાપી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક મળી

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) :  કલેક્ટર આર.જે. હાલાણીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક મળી હતી. બેઠકમાં સ્વજલધારા, એન.આર.ડી.ડબલ્યુ.પી/ ઓગ્મેન્ટેશન ઈન ટેપ કનેક્ટીવીટી ઈન રૂરલ એરિયા ટ્રાયબલ સબ પ્લાન કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૨૦-૨૧ સુધીમાં મંજુર કરવામાં આવેલ પ્રગતિ હેઠળ તેમજ પુરા થયેલ ઘર જોડાણના કામોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત લોક્ભાગીદારીયુક્ત પીવાના પાણીની ” નલ સે જલ ” યોજના અંતર્ગત અંદાજિત રૂપિયા ૧૪૨૦ લાખના ખર્ચે થનાર ૪૮ યોજનાઓ મંજુર કરવામાં આવી હતી.
કલેક્ટરશ્રીએ ગ્રામ્ય વિસ્તારમાં લોકોને પીવાના પાણીની કોઈ મુશ્કેલી ન પડે તે માટે કાયમી ધોરણે ઉકેલ આવે તે રીતે ગુણવત્તાયુક્ત અને સમય મર્યાદામાં તથા અન્ય વિભાગો સાથે સંકળાયેલ કામો પરસ્પર સંકલન અને હકારાત્મક અભિગમ અપનાવી પીવાના પાણીના કામો ઝડપથી પુરા કરવા જરૂરી સુચનો કર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી નેહાસિંઘે પણ કેટલાક રચનાત્મ સુચનો કર્યા હતા.
બેઠકની શરૂઆતમાં જિલ્લા જળ અને સ્વચ્છતા એકમના યુનિટ મેનેજરશ્રી જી.એમ સોનકેસરીયાએ સ્વજલધારા, એન.આર.ડી.ડબલ્યુ.પી/ ઓગ્મેન્ટેશન ઈન ટેપ કનેક્ટીવીટી ઈન રૂરલ એરિયા ટ્રાયબલ સબ પ્લાન કાર્યક્રમ હેઠળ યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં અંદાજે રૂપિયા ૧૧૭૦૩ લાખની ૬૯૩ યોજનાઓ મંજુર કરવામાં આવેલ છે. જે પૈકી ૫૪૯ યોજનાઓ પૂર્ણ કરવામાં આવેલ છે. ૩૭ યોજનાઓ ભૌતિક રીતે પૂર્ણ કરી પાણી પુરવઠો શરૂ કરવામાં આવેલ છે તથા ૭૩ યોજનાઓના કામો પ્રગતિમાં છે. તેમજ જિલ્લાની ૩૩૦ આંગણવાડીઓમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવેલ હોવાનું જણાવ્યુ હતુ.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નેહાસિંઘ, જિ.ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.જે. નીનામા, પ્રાયોજના વહીવટદાર વી.જી. પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલ, પાણી પુરવઠાના કા.પા. ઈજનેર એસ.એસ. દુબે સહિત વોસ્મોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *