માંગરોળ તાલુકા સરકારી અનાજ ગોડાઉન્ડ ખાતે, ટેકાના ભાવે મગફળી અને ડાંગરની ખરીદી માટેની રજિસ્ટ્રેશનની કામગીરી ચાલુ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનું તાલુકા કક્ષાનું ગોડાઉન્ડ આવેલું છે.સરકારે મગફળી અને ડાંગરના પાકોની ખરીદી સરકારી એટલે કે (ટેકાના) ભાવે ખરીદવાનો નિર્ણય લીધો છે. પણ આ ખરીદીની તમામ કામગીરી આ સરકારી ગોડાઉન્ડ ખાતે થશે. ખરીદી કરતાં પહેલાં આ પાકો વેચનારા ખેડૂતોએ રજિસ્ટ્રેશન ફરજીયાત કરાવવાનું રહેશે.આ માટે ૭/૧૨, ૮/અ ની નકલો, તલાટીનો દાખલો, આધારકાર્ડ અને બેંક પાસબુક ની કોપી આપવાની રહેશે.સરકાર તરફથી મગફળીનો ટેકનો ભાવ એક મણ દીઠ ૧૦૫૫ રૂપિયા અને ડાંગરનો ટેકાનો ભાવ એક મણદીઠ ૭૭૩ રૂપિયા જાહેર કર્યો છે.બજારમાં ખાનગી વેપારીઓ મગફળી મણદીઠ ૮૦૦ રૂપિયા અને ડાંગર મણદીઠ ૩૦૦ રૂપિયાનાં ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરી રહ્યા છે.આ ભાવો જોતાં સરકારનાં ટેકાના ભાવો વધુ છે. સાથે જ ઘણાં ખાનગી વેપારીઓ અભણ ખેડૂતોને તોલ માપમાં પણ છેતરતા હોય છે.સરકાર તરફથી આવતાં મહિનામાં આ પાકોની ખરીદી કરવાની કામગીરી હાથ ધરાશે. જો કે માંગરોળ તાલુકાનાં ખેડૂતો મગફળીનો પાક કરતાં નથી. પરંતુ ડાંગરનો પાક કરે છે. ડાંગરના પાક માટે રજિસ્ટ્રેશન આગામી તારીખ ૨૯ મી ઓક્ટોબર સુધી કરવામાં આવનાર છે. રજિસ્ટ્રેશન કરાવેલું હશે તો જ સરકાર પાક ખરીદશે.