તાપી જિલ્લા નાગરિક પુરવઠા સમિતીની બેઠક યોજાઈ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર તથા પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર માટેની તકેદારી સમિતીની બેઠક કલેક્ટર આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં મળી હતી.
બેઠકમાં કુકરમુંડા તાલુકામાં પાટીપાડા અને નિંભોરા તથા સોનગઢ તાલુકામાં દેવજીપુરા ગામે દુકાનના સ્થળ ફેર કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત વ્યાજબી ભાવની દુકાન પર આધારિત વિતરણ વ્યવસ્થામાં ઓફલાઈન ટ્રાન્જેક્શન, સાયલેન્ટ રેશનકાર્ડ/એફ્પીએસ, તાલુકાવાર દર માસે મોડલ એફ.પી.એસ બનાવવા બાબતે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. કલેકટરશ્રીએ જાહેર વિતરણ વ્યવસ્થામાં વિક્ષેપ ન પડે તે માટે વ્યાજબી ભાવની દુકાનો સતત ચાલુ રહે તે અંગે તકેદારી રાખવાની સુચના આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે,તાપી જિલ્લામાં ૨૪૨ વ્યાજબી ભાવની દુકાનો પરથી લોકોને અનાજનું વિતરણ કરવામાં આવે છે. જે અન્વયે તમામ કાર્ડધારકોના નંબર સાથે અને વસ્તી સાથે આધારકાર્ડ લિંક કરવામાં આવેલ છે. જે કાર્ડ ધારકો પાસે આધારકાર્ડ નથી તેવા લાભાર્થીઓ અનાજના જથ્થાથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા માન્ય રાખવામાં આવેલ અન્ય ૧૩ પુરાવાઓ રજુ કરીને અનાજ મેળવી શકે છે. બેઠકનું સંચાલન જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલે કર્યુ હતુ. બેઠકમાં ધારાસભ્યશ્રી સુનિલભાઈ ગામીત સહિત સમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.