વ્યારા ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તાપી કલેકટર આર.જે. હાલાણીની અધ્યક્ષતામાં આજે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતીની બેઠક યોજાઇ હતી.
બેઠક દરમિયાન કલેક્ટરે વર્તમાન કોરોનાની પરિસ્થિતીના લીધે બાકી રહી ગયેલ એટીવીટી હેઠળના કામોને અગ્રીમતા આપવાનું જણાવી સંલગ્ન કામગીરીમાં લોકો કોઈ મુશ્કેલી ન પડે જોવા સબંધિત અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા. તેમણે સઘન અમલીકરણ દ્વારા યોજનાકિય લાભો જરૂરિયાતમંદોને સરળતાથી મળી રહે તે માટે પરસ્પર સંકલન અને વ્યવહારૂ અભિગમ કેળવી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. તદઉપરાંત નિવૃત થયેલા કર્મચારીઓને નિવૃતિ લાભો સમયમર્યાદામાં મળી જાય તે જોવા તથા સરકારી લેણા વસુલાત બાબત કામગીરીને ગંભીરતાથી લેવા તાકીદ કરી હતી. બેઠકમાં શસ્ત્ર સેના ધ્વજ દિન ૨૦૨૦/૨૧ માટે ફળવણી કરાયેલ લક્ષ્યાંક્ને પુરો કરવા સુચના આપી હતી.
બેઠક દરમિયાન નાગરિક અધિકારપત્ર અન્વયે મળેલી અરજીઓના નિકાલ, નિવૃત થતા કર્મચારીઓના પેન્શન કેસો તૈયાર કરવા, એ.જી.ઓડિટના બાકી પેરાઓ, નિકાલ માટેના બાકી કાગળો, વસુલાત, ખાતાકિય તપાસ, બાબતે હાથ ધરવામાં આવેલ કામગીરીની વિગતે સમીક્ષા કરવામાં આવી હતી. સમગ્ર બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટર બી.બી. વહોનિયાએ કર્યું હતું.
બેઠકમાં નાયબ વન સંરક્ષક આનંદકુમાર, પ્રાયોજના વહીવટદાર વિજય પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિનામા, વ્યારા પ્રાંત હિતેષ જોષી, સીડીએચઓ ડો. હર્ષદ પટેલ, કાર્યપાલક ઇજનેર અજીત વસાવા, સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.