આદિવાસી યુવા ખેડુત સંગઠન દ્વારા બંધ પડેલી માંડવી સુગરને ફરી શરૂ કરવા માંગ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આદિવાસી યુવા ખેડુત સંગઠન દ્વારા માંડવી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપીને બંધ પડેલ માંડવી સુગર ફેક્ટરી ખેડૂતોનાં હિતમાં સરકાર દ્વારા ચાલુ કરવાની માંગ મુખ્યમંત્રીશ્રીને કરી હતી.
આદિવાસી યુવા ખેડુત સંગઠન, માંડવી દ્વારા આજરોજ માંડવી પ્રાંત અધિકારીને આવેદન પત્ર સુપ્રત કરી ખેડૂતોનું થતું શોષણ અને નુકશાનીને ધ્યાને લઇ માંડવી તાલુકાની બંધ પડેલી માંડવી સુગરને ખેડુતોના હીતમાં સરકાર દ્વારા ચાલું કરવા માંગ કરી છે. આવેદનમાં જણાવાયું છે કે, “માંડવી તાલુકાના ખેડૂતોના આર્થિક વિકાસ માટે બનાવેલ સુગર ફેકટરી વહીવટીદારોના ભષ્ટ્રાચારને કારણે બંધ હાલતમાં છે અને હાલ શેરડી પકવતા ખેડૂતો અને સુગરના ખેડુત સભાસદોની તકલીફ વધી છે કે શેરડી પિલાણ માટે આપવી તો ક્યાં કઈ સુગર ફેક્ટરીને આપવી તે માટે ખેડુતો મુંઝવણમાં છે . માંડવી સુગર ફેક્ટરી બંધ હોવાને કારણે માંડવી તાલુકામાં બિલાડીના ટોપની જેમ શેરડીમાંથી ગોળ બનાવતા કોલાવાળા ફુટી નિકળ્યા છે. ગોળ બનાવતા કોલાવાળા દ્વારા શેરડી પકવતા ખેડુતોની મજબુરીનો ફાયદો ઉઠાવી શોષણ કરી રહ્યા છે ખેડુતોને ૧૫૦૦- ૨૦૦૦ રૂપિયા સુધીનો ભાવ આપી એક તરફી લુંટ કરી રહ્યા છે જ્યારે અન્ય સુગર ફેકટરીઓ હપ્તાથી ૩૦૦૦ રૂપિયાથી વધુનો ભાવ ચૂકવી શેરડીની ખરીદી કરી રહ્યા છે. માંડવી સુગર બંધ થવાથી દર વર્ષે ખેડુતોને લાખો રૂપિયાનું નુકસાન થાય છે અને ખેડૂતો ગોળ બનાવતા કોલાઓના વેપારીઓ દ્વારા શોષણનો ભોગ બની રહ્યા છે. જેથી ખેડુતોને ન્યાય આપવા આપ મુખ્યમંત્રીને વિનંતી છે કે બંધ પડેલી માંડવી સુગરને ખેડુતોના હીતને ધ્યાનમાં રાખી માંડવી સુગર સરકાર ચલાવે એવી આપ શ્રી દ્વારા આવનારી કેબિનેટમાં તાત્કાલિક નિર્ણય લેશો એવી આશા સાથે આદિવાસી યુવા ખેડુત સંગઠનની ખેડુત અને માંડવી સુગરનાં ખેડુત સભાસદો હિતમાં માંગણી કરીએ છીએ.”
આ પ્રસંગે આદિવાસી યુવા ખેડુત સંગઠનનાં માંડવી તાલુકાનાં પ્રમુખ મિતલ વિલાસભાઈ ચૌધરીએ ખેડૂતો વતિ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, “બારડોલી લોકસભાના સાંસદશ્રી પરભુભાઈ વસાવા સાહેબ પલસાણા તાલુકાના ખેડૂતોના જમીન સંપાદન મુદ્દે વધારે રૂપિયા ખેડુતો ને મળે એ માટે સંસદમાં રજુઆત કરી શકતાં હોય તો પોતાની જન્મભૂમિના પોતાના આદિવાસી સમાજના ખેડુતોના હીતમાં માંડવી સુગરને લઈ ને નિણર્ય લે અને સરકારમાં રજૂઆત કરી માંડવી સુગર ચાલું કરાવે, માંડવી તાલુકાના ધારાસભ્ય આનંદ ચૌધરી અને બારડોલી લોકસભાના સાંસદ સભ્ય માંડવી સુગર ચાલું નહીં કરાવી શકતાં હોય તો માંડવી તાલુકામાં ગેરકાયદેસર ચાલતા શેરડીનાં કોલાવાળા પાસે માડવી તાલુકાના ખેડુતોને ૨૫૦૦ રુપિયા ઉપર ભાવ નક્કી કરાવી તાલુકાના ખેડુતોના હીતમાં કાર્યવાહી કરે એવી માંડવી તાલુકાના આદિવાસી સમાજના ખેડુતોના હિતમાં માંગણી કરીએ છીએ.”