સોનગઢનાં ગુણસદા ખાતે આવેલ જે.કે. પેપર મિલનાં કામદારોનાં દિવાળી બોનસનો મુદ્દો ગરમાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં સોનગઢનાં ગુણસદા ખાતે આવેલ જે.કે. પેપર લિ.માં વર્ષ 2019-20નાં કામદારોનાં દિવાળી બોનસ મુદ્દે ગુજરાત શ્રમિક સંગઠન (યુનિ.) દ્વારા મેનેજમેન્ટને વાતચીત કરી યોગ્ય નિર્ણય લેવા અનુરોધ કરાયો.
તાપી જીલ્લાનાં સોનગઢનાં ગુણસદા ખાતે આવેલ જે.કે. પેપર મિલનાં મિલ કામદારોનાં વર્ષ 2019-20નું દિવાળી બોનસ અંગે મેનેજમેન્ટ દ્વારા યોગ્ય નિર્ણય નહિ લેવામાં આવતાં આજરોજ ગુજરાત શ્રમિક સંગઠન (યુનિયન) દ્વારા મેનેજમેન્ટને પત્ર લખી વાતચીત કરી યોગ્ય નિર્ણય કરવા અનુરોધ કરાયો છે. ચીફ એક્ઝીક્યુટિવ (વર્ક્સ) ને લખાયેલ પત્રમાં જણાવાયું છે કે, દિવાળી બોનસ અંગે વાતચીત મિટિંગ યોજવાની તારીખ જણાવવા ગુજરાત શ્રમિક સંગઠન દ્વારા મેનેજમેન્ટને જણાવ્યુ હતું. જેને પગલે કોન્ટ્રાકટર દ્વારા 14મી ઓક્ટોબરની તારીખ નક્કી કરી આ દિવસે મિટિંગમાં કંપનીનાં કોઇ પણ જવાબદાર અધિકારી હાજર રહેશે નહિ એવું જણાવતા કમિટિએ આ મિટિંગ કેન્સલ કરી હતી. અગાઊનાં વર્ષોમાં મેનેજમેન્ટ એ લેબર યુનિયન સાથે સીધી વાતચીત કરી બોનસ અંગે નિર્ણય કરેલ હોવાથી આ વર્ષે પણ દિવાળી બોનસ અંગે સીધી વાતચીત યુનિયનનાં જનરલ સેક્રેટરી આર. સી. પટેલ સાથે વાતચીત કરી સુખદ ઉકેલ લાવવા અનુરોધ કરાયો છે સાથે જ યુનિયન દ્વારા જણાવાયું છે કે, જો મેનેજમેંટ કોઇપણ સંગઠન સાથે વાતચીત કરી બોનસ અંગે નિર્ણય લેશે તો તે યુનિયનને માન્ય રહેશે નહિ તેમજ કંપનીનું વાતાવરણ ખરાબ થાય તેની સંપૂર્ણ જવાબદારી મેનેજમેન્ટની રહેશે.
ત્યારે હવે મેનેજમેંટ દ્વારા કામદારોનાં દિવાળી બોનસ અંગે કેવો નિર્ણય લેવાય છે એ જોવું રહ્યું.