માંગરોળના નાનીનરોલી ગામની સીમમાંથી દશ કીલો ગૌમાંસ, સાથે બે ઝડપાયા : બે વોન્ટેડ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં નાનીનરોલી થી ઉમેલાવ જતાં માર્ગ ઉપર આવેલા નાનીનરોલી ગામનાં હાસીમ લીબાડાનાં શેરડીના ખેતરમાં ગાયની કતલ કરી, મોટરસાયકલ ઉપર લઈ જઈ ગૌમાંસ વેચવામાં આવે છે. ઉપરોક્ત બાતમી માંગરોળનાં પોલીસ મથકનાં પી.એસ.આઈ. પરેશ એચ નાયી ને મળતાં માંગરોળ પોલીસ મથકનાં જવાનો પ્રકાશ રમણ, પરેશ કાંતિભાઈ, રાજેશ વસંતરાવ,અમૃત ધનજી વગેરેઓની પોલીસ ટીમ બાતમીવાળા સ્થળે જવા રવાના થયા હતા. નાનીનરોલી- ઉમેલાવ માર્ગ ઉપર આવેલા હાસીમ લીબાડાના શેરડી વાળા ખેતરમાં બેટરી માળી તપાસ કરતાં ત્યાંથી બે ઈસમો મોટર સાયકલ નંબર જીજે ૦૫ કેએમ ૫૮૩૫ લઈને ભાગવા લાગતાં પોલીસે એમને ઝડપી લીધા હતા. જેમા સલીમ શબ્બીર ગંગાતે મોહમદ એયુબ લીબાડા ઉર્ફે બાબરનાઓને ગાયની કતલ માટે બોલાવ્યા હતા. પોલીસે સલીમ શબ્બીર ગંગાત અને સીરાજ શબ્બીર શાહની અટક કરી, દશ કીલો ગૌમાંસ અને ઉપરોક્ત નંબરવાળી મોટરસાયકલ તથા છરા કબ્જે કર્યા છે. જ્યારે મોહમદ એયુબ લીબાડા ઉર્ફે બાબર અને તોસીફ હનીફ લીબાડાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સ્થળ પરથી ગાયનું માથું અને ચામડું પણ મળી આવતાં પોલીસે એને જમીનમાં દાટી દીધું છે. જ્યારે ગૌમાંસની તપાસણી માટે FSLની ટીમને બોલાવવામાં આવી છે. કુલ ૨૬,૨૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ અમિતભાઇ નવીનભાઈ ચલાવી રહ્યા છે.