સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનો વળાંક વાહન ચાલકો માટે ગોઝારો
(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનો વળાંક વાહન ચાલકો માટે ગોઝારો સાબિત થઈ રહ્યો છે. સાપુતારા થી માલેગામ ત્રણ કિ.મી.નો ઘાટ માર્ગ પસાર કરી આ વળાંકમાં જ વાહનોને અકસ્માત થતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે
મળતી માહિતી મુજબ સાપુતારા માલેગામ ઘાટ માર્ગ ના ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેના વળાંકમાં અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય રાષ્ટ્રીય ધોરીમાર્ગ તંત્રની ઘોર બેદરકારી બહાર આવવા પામી છે. મંગળવારે સવારે નાસિક થી પંજાબ ટામેટાનો જથ્થો ભરી જઇ રહેલા દસ વ્હીલર ટ્રકની અચાનક માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેના વળાંક માં બ્રેક ફેલ થતા બેકાબુ બનેલ ટ્રક માર્ગ સાઈડના સંરક્ષણ દીવાલ સાથે ધડાકાભેર અથડાતા ટ્રક પલટી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જોકે ચાલક ક્લીનરને નજીવી ઈજા થતા 108 દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. અકસ્માતને પગલે ટ્રકમાં મુકેલ ટામેટાનો જથ્થો ખીણમાં વેરાય જતા નુકસાની થવા પામી હતી. અકસ્માત સંદર્ભે સાપુતારા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.