તાપી : લધુત્તમ ટેકાના ભાવથી ડાંગર – મકાઇ – બાજરીની ખેડૂતો પાસેથી સીધી ખરીદી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૦-૨૧ અંતર્ગત ડાંગર , મકાઇ અને બાજરીની ખરીદી આગામી તા . ૧૬.૧૦.૨૦૨૦ થી તા . ૩૧.૧૨.૨૦૨૦ દરમ્યાન ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ડાંગર માટે ૯૨, મકાઈ માટે ૬૧ અને બાજરી માટે ૫૭ જેટલા ગોડાઉન કેન્દ્રો / એપીએમસી ખરીદ કેન્દ્ર ખાતે કરવામાં આવનાર છે. ભારત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ ( ૧ ) ડાંગર ( કોમન ) રૂ. ૧૮૬૮ /-પ્રતિ ક્વિન્ટલ, ( ૨ ) ડાંગર ગ્રેડ – એ માટે રૂ. ૧૮૮૮ / – પ્રતિ ક્વિન્ટલ ( ૩ ) મકાઇ માટે રૂ. ૧૮૫૦ / – પ્રતિ ક્વિન્ટલ, ( ૪ ) બાજરી માટે રૂ . ૨૧૫૦ / – પ્રતિ ક્વિન્ટલ નિયત કરેલ છે. લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સંબંધીત ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના તાલુકા ગોડાઉન ખાતે તા. ૧.૧૦.૨૦૨૦ થી શરૂ થશે જે તા. ૨૦.૧૦.૨૦૨૦ સુધી ચાલુ રહેશે તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને જાણ કરવામાં આવે છે. નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે આધાર કાર્ડની નકલ / આધાર નોંધણી નંબર અને તે અંગેનો પુરાવો, અધ્યતન ૭-૧૨ , ૮ – અ રેકોર્સની નકલ, ફોર્મ નં -૧૨ માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઈ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામે આઇએફએસસી કોડ સહિતની બેન્ક એકાઉન્ટની વિગતો માટે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાના રહેશે. ખેડૂતોને તેમનો જથ્થો સાફસુફ તથા ચારણો કરી તેમજ તેમાં ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહે તે માટે જરૂરી જણાયે તડકામાં સૂકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે. જેથી ખેડૂતોનો જથ્થો અસ્વીકૃત ન થાય. રજીસ્ટ્રેશન બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર- ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે.
સુરત જીલ્લામાં લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવા માટે તાપી જિલ્લાના કુકરમુંડા , સોનગઢ , ઉચ્છલ , વાલોડ , વ્યારા ખાતેના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન કેન્દ્ર ખાતે સંપર્ક કરવાનો રહેશે.
વધુમાં તાપી જિલ્લાના કુકરમુંડા , સોનગઢ , ઉચ્છલ , વાલોડ , વ્યારા તાલુકા ખાતેના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખરીદ કેન્દ્ર તરીકે જાહેર કરવામાં આવેલ છે. અને આ તમામ ખરીદી સરકારશ્રીના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રા.બા. વિભાગના તા. ૩૦.૦૯.૨૦૨૦ ના ઠરાવ ક્રમાંક કેએમએસ / ૧૪-૨૦૨૦ / ૨૨૬૨૦૫ / ક થી આપેલ સૂચનાઓ મુજબ કરવામાં આવશે.