માંડવી તાલુકાના જામકુઈ ગામે વન્ય સપ્તાહની ઉજવણી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તારીખ ૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન સમગ્ર વિશ્વમાં વન્યપ્રાણી સપ્તાહ ઉજવવામાં આવે છે. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ વન્ય પ્રાણી અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટેનો છે તેમજ લોકો વન્યજીવ અંગે ખોટી માન્યતા અને અફવાઓથી દૂર રહી સૃષ્ટિનું જતન અને સંરક્ષણ કરે જે આવનારી પેઢી માટે ખૂબ જ જરૂરી છે. આ હેતુની પૂર્તિ કરવા માંડવી ઉત્તર રેંજના RFO કમલેશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અને વાઈલ્ડસ્ટેપ, ઇન્ડિયાના સભ્ય ધ્રુવ ચૌધરી, જીવદયા પ્રેમી વિશાલસિંહ ગોહિલ, મહિપાલસિંહ પરમાર દ્વારા જામકુઈ ખાતે વન્ય પ્રાણીનું મહત્વ, તેઓની માનવને જરૂરિયાત અને માનવજીવન સાથે તેઓના સંબંધની, તેમજ રેંજમાં જોવા મળતી વન્યજીવ સૃષ્ટિ, માનવ વન્ય જીવ વચ્ચે થતું ઘર્ષણ અટકાવવાના ઉપાય અંગે વિસ્તૃત માહિતી વીડિયો, પ્રેઝન્ટેશન અને વન્ય જીવ આધારિત ફિલ્મોના માધ્યમ મારફતે સમજણ આપવામા આવી હતી. જેમાં ઉત્તર રેંજનો સ્ટાફ, વન સમિતિના સભ્યો તથા ગ્રામજનોએ ખૂબ જ રસ પૂર્વક ભાગ લીધો હતો. સોશિયલ ડિસ્ટન્સ અને સરકારની ગાઈડ લાઈન મુજબ તમામ નિયમોના પાલન સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.