માંગરોળ તાલુકા પંચાયતની કારોબારી સમિતિની મળેલી બેઠક, વિવિધ કાર્યોની થયેલી ચર્ચા
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકા પંચાયતની કારોબારી સમિતિની આજે તારીખ ૨૯ મી સપ્ટેમ્બરના રોજ સવારે ૧૧ કલાકે, તાલુકા પંચાયતના સભાખંડમાં,સમિતિના અધ્યક્ષ ઉમેદભાઈ ઉબડાભાઈ ચૌધરીના અધ્યક્ષપદે યોજાઈ હતી. બેઠકમાં જુલાઈ-૨૦ ના રોજ મળેલી કારોબારીની બેઠકની કાર્યવાહી અને અમલીકરણ અહેવાલ, તાલુકા પંચાયતના માસિક આવક-ખર્ચના હિસાબો, કારોબારી સમિતિની મંજૂરીની અપેક્ષાએ કરવામાં આવેલા સ્ટેશનરી સહિતનાં અન્ય ખર્ચાઓ મંજુર કરવા, વિકાસ કામો માટે આવેલી અરજીઓનો નિર્ણય કરવા વગેરે કાર્યો રજૂ કરી આ પ્રશ્ને ચર્ચા કરી આ તમામ કામોને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અધ્યક્ષપદેથી જે કામો રજૂ થયા એની ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો હતો. અધ્યક્ષ ઉમેદભાઈ ચૌધરીએ જણાવ્યું કે એમ તો આ છેલ્લી જ કારોબારીની બેઠક છે. તેમ છતાં જરૂર જણાશે તો ખાસ કારોબારીની એક બેઠક બોલાવીશું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ ઉમેદભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ ગામીત,તાલુકા વિકાસ અધિકારી દિનેશભાઇ પટેલનું કારોબારીના સદસ્ય શાકીર સરદાર પટેલનાં નેતૃત્વમાં સમિતિનાં સદસ્યોએ સમૂહમાં સાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું હતું. બેઠકમાં મદદનીશ TPO ડી એફ છાસથીયા, તાલુકા શિક્ષણ અધિકારી કેતનભાઈ ચૌધરી, અન્ય વિભાગના અધિકારીઓ, કારોબારી સમિતિના સદસ્યો હાજર રહ્યા હતા.