કે.વી.કે. વ્યારા દ્વારા જુવારની પોષણયુક્ત વાનગી હરિફાઈ અને તાલીમ યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર, ન.કૃ.યુ., સુરત અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ્યારાના સંયુક્ત ઉપક્રમે સોનગઢ તાલુકાના બંધારપાડા ખાતે તા. ૨૫-૦૯-૨૦૨૦ ના રોજ જુવારમાંથી બનતી પોષણયુક્ત વાનગીઓની હરિફાઈ અને “જુવારની વિવિધ પોષણયુક્ત વાનગીઓ” વિષય ઉપર તાલિમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કુલ ૧૬ બહેનો અને ૧૯ આંગણવાડી બહેનો મળીને કુલ ૩૫ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં જુવારમાંથી બનાવેલ પોષણયુક્ત વિવિધ વાનગીઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. જેને પ્રથમ, દ્રિતીય અને તૃતિય નંબર આપવામાં આવેલ હતો. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી. ડી. પંડ્યાએ દ્વારા કાર્યક્રમનો હેતુ સમજાવ્યો હતો અને રોજીંદા જીવનમાં પોષણનું મહત્વ વિષે માહિતી આપી હતી.કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક પ્રો. આરતી એન. સોનીએ જુવાર અને સોયાબીનનું આહારમાં મહત્વ વિષે વિગતવાર માહિતી આપી હતી. જ્યારે વૈજ્ઞાનિક ડો. ધર્મિષ્ઠા પટેલએ, શિયાળુ ઋતુમાં લેવાતાં શાકભાજી પાકોની ખેતી વિષે વિગતવાર સમજ આપી હતી.
મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર, સુરતના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડો. વી. ડી. પાઠકએ જુવારની વૈજ્ઞાનિક ખેતી વિષે વિગતવાર માર્ગદર્શન આપ્યુ હતું. કાર્યક્રમમાં મદદનીશ ખેતી નિયામકશ્રી નિલેષભાઈ ગામીત પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત સર્વે મહિલાઓ અને અધિકારીઓ દ્વારા પોષણ શપથ લેવામાં આવી હતી. આભારવિધી ગતાડીના સામાજીક કાર્યકર શ્રી રાકેશભાઈ ગામીતએ કરી હતી.