સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી તાપી જિલ્લાના છેવાડે આવેલ કુકરમુંડા તાલુકાના બાલંબા ગામના દિવ્યાંગને વ્હીલચેર, એસ.ટી. બસનો પાસ અને પરિવારને મા કાર્ડ પ્રાપ્ત થયું

Contact News Publisher

૨૧મી સદી ટેક્નોલોજીની સદી છે ત્યારે ટેક્નલોજીના માધ્યમથી છેવાડાના માનવી સુધી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર પહોંચી છે. આ વાત છે તાપી જિલ્લાના છેવાડે આવેલ કુકરમુંડા તાલુકાના બાલંબા ગામની. જ્યાં સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી આદિવાસી વિસ્તારના દિવ્યાંગને વ્હીલચેર, એસ.ટી. બસનો પાસ અને પરિવારને મા કાર્ડ પ્રાપ્ત થયું છે.

તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાથી અંદાજિત ૧૩૦ કિ.મી.ના અંતરે આવેલ બાલંબા ગામમાં ખેતીકામ કરી ગુજરાન ચલાવતા આદિવાસી પરિવારો રહે છે. તાપી નદીના તટ પ્રદેશમાં રહી માત્ર ખેતીવાડી કરતા અહીંના લોકો ખૂબ જ ભોળા અને નિખાલસ સ્વભાવ ધરાવે છે. દૂરના અંતરિયાળ વિસ્તાર ધરાવતા અહીંના લોકોનું જીવન ખૂબ જ હાડમારીઓથી ભરેલું છે. આજ ગામમાં માંડ બે વીઘા જમીનમાં ખેતીવાડી કરી ગુજરાન ચલાવતા રમણભાઈ વાડગ્યાભાઈ વસાવે, તેમના પત્ની શ્રીમતી મનીષાબેન રમણભાઈ વસાવે તેમજ એક માત્ર પુત્ર રિતિક રહે છે. રમણભાઈના પુત્ર રિતિક નાનપણથી જ સો ટકા વિકલાંગતા ધરાવે છે. કુદરત પણ માણસની પરીક્ષા લેતી હોય એમ છેલ્લા ૨ વર્ષથી તેમના પત્ની મનિષાબેનની તબિયત ખરાબ રહેતા સારવાર માટે નાના મોટા દવાખાનાઓમાં જતા હતા.

સરકારશ્રીની યોજનાઓની જાણકારીના અભાવે રમણભાઈ ખૂબ જ કઠીનાઈ ભરેલું જીવન જીવતા હતા. એક બાજુ વિકલાંગ પુત્ર અને બીજી બાજુ પત્નીની સારવારનો ખર્ચ આવી પડતા રમણભાઈ મુંઝાઈ ગયા હતા. સરકારશ્રીની સહાય અંગે રમણભાઈ એ જણાવ્યું હતું કે, મારા દીકરાને સમાજ સુરક્ષા કચેરી તરફથી સહાય મેળવવા માટે અમે અરજી કરી હતી. અમે સહાયની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન ગાંધીનગર સ્થિત સી.એમ. ડેશ બોર્ડ સાથે અમારો સંપર્ક થયો અને પછી તો શું ! ત્વરિત મારા પુત્રને સમાજ સુરક્ષા કચેરી તરફથી વ્હિલચેરની સહાય મળી. સાથે સાથે ગુજરાત સરકારની એસ.ટી. બસની મુસાફરી માટે વિના મૂલ્યે એસ.ટી. પાસ પણ મળી ગયો.

આ દરમિયાન મારી પત્ની મનિષાબેનને કીડનીમાં તકલીફ થતાં અમો સુરત ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા ગયા હતા. જ્યાં રૂપિયા ૪૦,૦૦૦ જેટલો ખર્ચ થયો હતો. આર્થિક મુશ્કેલીને કારણે હું ખૂબ ચિંતિત હતો. પરંતુ સરકાર મને આરોગ્ય માટે પણ મદદ કરશે એની મને ખબર જ ન હતી. મારી આવી કપરી પરિસ્થિતિમાં વ્યારાની જનક હોસ્પિટલમાંથી જાણકારી મળી કે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બિમારી સામે સરકારની મા કાર્ડ યોજના અમલમાં છે. જેનો લાભ મેળવવા માટે અમે આધાર કાર્ડ વગેરે વિગતો આપી. આજે અમને મા કાર્ડ પણ મળી ગયું છે. હું તેની મદદથી મારી પત્નીની સારવાર વિના મૂલ્યે કરાવી રહ્યો છું. ખરેખર જ અમારા ગરીબ પરિવારની વ્હારે સરકાર આવી અને અમને ખરા સમયે મદદરૂપ બની જેના માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની સરકાર નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.

આલેખનઃ પાર્થ પટેલ (માહિતિ વિભાગ-તાપી) 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *