આધારકાર્ડની કામગીરી હજુ પણ પૂર્ણ થઈ નથી : માંગરોળ ખાતે હજુ પણ લાઈનો લાગે છે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કેન્દ્ર સરકાર તરફથી દેશભરમાં આધારકાર્ડ દરેક નાગરિકો માટે બનાવવાની જાહેરાત કર્યાબાદ આજે આ જાહેરાતને ઘણો લાંબો સમય થઈ ગયો છે. છતાં આજે પણ જે સ્થળે આધારકાર્ડ બનાવવાના સેન્ટરો ચાલે છે ત્યાં આધારકાર્ડની કામગીરી માટે લાંબી લાઈનો લાગી રહી છે. સરકાર અને ખાનગી NGO સંસ્થાઓએ પણ સરકારની મદદ લઇ આધારકાર્ડ માટેના કેમ્પો યોજ્યા છે. છતાં આ કામગીરી હજુ પૂર્ણ થઈ નથી. કેટલાક લોકોએ આધારકાર્ડ બનાવી લીધા પણ ઘણા આધારકાર્ડમાં અનેક ભૂલો આવતા આવા લોકો પણ લાઈનમાં ઉભા રહીને પોતાના આધારકાર્ડમાં જે ભૂલ છે એ સુધારી રહ્યા છે. હાલમાં તાલુકા મથક માંગરોળ ખાતે મામલતદાર કચેરી ખાતે વહેલી સવારથી જ લાઈનો જોવા મળી રહી છે. કેમ કે હવે દરેક કામ માટે આધારકાર્ડ ફરજીયાત કરી દેવામાં આવ્યો છે. સાથે શાળામાં પણ વિદ્યાર્થીઓ પાસે આધારકાર્ડ માંગવામાં આવે છે. તેવી જ રીતે બેંકના ખાતા માટે પાસપોર્ટ, રેશનકાર્ડ, પાનકાર્ડ, GST નંબર સહિત અનેક કામગીરી કરવા માટે આધારકાર્ડ માંગવામાં આવતા આજે પણ અનેક લોકો આધારકાર્ડના કામ માટે મામલતદાર કચેરી ખાતે લાઈનમાં ઉભેલા નજરે પડે છે.