ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડતા સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી જતા પ્રવાસીઓનો આનંદ બેવડાયો

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં સોમવારે સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ તૂટી પડતા સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી જતા પ્રવાસીઓનો આનંદ બેવડાયો હતો.
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયા થી દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સમી સાંજે મેઘ મહેર થતા આહલાદક વાતાવરણ ઊભું થાય છે. સોમવારે દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ સાંજે 4 વાગ્યા ના અરસામાં ધોધમાર વરસાદ તૂટી પડતા માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં હતા.લોકડાઉન અનલોક 5 માં સાપુતારા ના જોવા લાયક સ્થળોએ પ્રવાસીઓ માટે છૂટછાંટ મળતા મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. સાંજે અચાનક વીજળીના કડાકા ભડાકા સાથે વરસી પડેલા મેઘરાજાએ ધરતી તરબોળ કરી દીધી હતી. ખેતરોમાં લહેરાય રહેલ ડાંગર,નાગલી જેવા પાકોને વરસાદને પગલે જીવતદાન મળતા ખેડૂતો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.વરસતા વરસાદમાં સાહેલગાહે આવેલા સહેલાણીઓએ વાતાવરણ નો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો.