માંગરોળ તાલુકાના ઓગણીસા ગામના ૪૦ પરિવારોને એક દાયકા પછી પણ જ્યોતિગ્રામ યોજનાનો લાભ મળ્યો નથી : ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘરવપરાશના વિજજોડાણ ધરાવનારાઓને સતત ૨૪ કલાક વીજપુરવઠો મળી રહે એ માટે જ્યોતિ ગ્રામ યોજના સરકાર તરફથી અમલમાં મૂકી હતી. અને ત્યારબાદ રાજ્યભરના ઘરવપરાશના વીજ જોડાણ ધરાવતા ગ્રાહકોને આ યોજનાનો લાભ મળતો થઈ ગયો હતો. પરંતુ આજે એક દાયકા કરતા વધુ સમય આ યોજનાની જાહેરાતને થયો છે. છતાં માંગરોળ તાલુકાનું ઓગણીસા ગામ કે જે સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે. આ ગામના ૪૦ જેટલા પરિવારો આજે પણ આ યોજનાથી વચિત રહ્યા છે.જ્યારે જાહેરાત કરાઈ ત્યારપછી આ પરિવારો જે વિસ્તારમાં રહે છે.એ વિસ્તારમાંથી પસાર થતી LT વીજ લાઇનને ખેતીવિષયક વીજ લાઈનમાં ફેરવી કરાતાં હાલમાં આ પરિવારોને માત્ર આંઠ કલાક જ વીજપુરવઠો મળે છે. અને તે પણ ગમે તે સમયે મળે છે. અગાઉ DGVCL કચેરી, માંગરોળ ને પણ રજુઆત કરાતાં તે સમયે આ રહીશો પાસે ઘરદીઠ ૫૦૦-૫૦૦ રૂપિયા ભરાવ્યાં હતા છતાં આ પ્રશ્ન હલ થયો નથી.આખરે આજે તારીખ ૨૧ ના ગ્રામવાસીઓએ તાલુકા કોગ્રેસના સથવારે, DGVCL માંગરોળ,કચેરીનાં નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી નયન એચ. ચૌધરીને ઉપરોક્ત વિગતોવાળું આવેદનપત્ર આપી આ પ્રશ્ન હલ કરવા માંગ કરી છે. જો કે કાર્યપાલક ઈજનેર શક્ય એટલા ટૂંકા સમયમાં આ પ્રશ્ન હલ કરી દેવાની ખાત્રી આપી છે. આ પ્રસંગે તાલુકા કોગ્રેસના પ્રમુખ શામજીભાઈ ચૌધરી, માજી પંચાયત મંત્રી રમણભાઈ ચૌધરી, શાબુંદીન મલેક, રૂપસિંગ ગામીત, પ્રકાશ ગામીત, સંતોષ મેસુરીયા સહિત મોટીસંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.