બાજીપુરા અને સોનગઢ ખાતે સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
(માહિતી બ્યુરો; વ્યારા) : મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજે ગાંધીનગરથી સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત ખેડુતોને સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની બે યોજનાનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જે અન્વયે તાપી જિલ્લામાં બાજીપુરા ટાઉન હોલ ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડીયા અને સોનગઢમાં અગ્રવાલ સમાજની વાડીમાં નગરપાલિકા પ્રમુખશ્રી ટપુભાઈ ભરવાડની અધ્યક્ષતામાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના અને પ્રાકૃતિક પધ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા માટે લાભાર્થીઓને નિદર્શન કીટ સહાય આપવા મંજુરી હુકમ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે બાજીપુરા ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉદબોધન કરતા ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડીયાએ જણાવ્યુ હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિન નિમિત્તે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત ખેડુતોને સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની બે યોજનાઓ ખેડુતોને ભેટ ધરી વડાપ્રધાનશ્રીના વર્ષ ૨૦૨૨માં ખેડુતોની આવકને બમણી કરવાના ધ્યેયને સાકાર કરવાનો નિર્ધાર કર્યો છે. જેનાથી ખેડુતોને આર્થિક મદદ મળી રહેતા તેમનુ જીવનધોરણ ઉંચુ આવશે. તેમણે રાજ્ય સરકારે જાહેર કરેલ વિવિધ કૃષિલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ લઈ આર્થિક સધ્ધરતા મેળવવા ખેડુતોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે શ્રી ઢોડીયાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિનની શુભકામના પાઠવી હતી. સોનગઢ ખાતે આયોજિત કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખશ્રી ટપુભાઈ ભરવાડે રાજ્ય સરકાર દ્વારા ખેડુતોના કલ્યાણ માટે અમલી બનાવાયેલ વિવિધ યોજનાઓનો લાભ લઈ પગભર થવા ઉપસ્થિત ખેડુતોને અનુરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે જાહેર કરવામાં આવેલ યોજનાઓ હેઠળ સંપૂર્ણ દેશી ગાયના નિભાવ ખર્ચ માટે પ્રતિ માસ રૂપિયા ૯૦૦ સહાય કુલ ૧,૦૫,૦૦ લાભાર્થી ખેડૂતો માટે રૂ. ૬૬.૫૦ કરોડની જોગવાઈ અને દેશી ગાયના છાણ-ગૌમૂત્રમાંથી જીવામૃત બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ કિટ માટે રૂપિયા ૧૩૫૦ પ્રતિ કિટ સહાય, કુલ ૧૦૦૦ લાભાર્થી ખેડૂતો માટે રૂપિયા ૧૩.૫૦ કરોડની જોગવાઈ વાળી આ બે યોજના ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના” ભાગ રૂપે અમલમાં મૂકવામાં આવી છે, જે પ્રાકૃતિક ખેત પધ્ધતિ અપનાવવા માટે ખેડુતોને બળ પૂરૂ પાડશે.
આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિન નિમિત્તે રાજ્ય કક્ષાએથી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ “સાત પગલા ખેડૂત કલ્યાણ” કાર્યક્રમ અંતર્ગત આ યોજનાઓનું ઈ-લોકાર્પણ કર્યુ હતુ. આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોને આત્મા એવોર્ડ તથા લાભાર્થી ખેડુતોને વિવિધ યોજનાકીય સહાયના હુકમોનું વિતરણ કરાયુ હતુ.
આ કાર્યક્રમમાં કલેક્ટર આર.જે.હાલાણી, પ્રાંત અધિકારી હિતેષ જોષી, નાયબ બાગાયત નિયામક એન.એમ.પટેલ, ખેતીવાડી અધિકારી એસ.બી.ગામીત, મામલતદારશ્રી ડી.કે.વસાવા, પ્રોજેકટ ડાયરેક્ટર પી.આર.ચૌધરી, કિસાન મોરચાના પ્રમુખ ઉદય દેસાઈ, વિરોધ પક્ષનાનેતા મોહનભાઈ કોંકણી સહિત સોનગઢ ખાતે કુકરમુન્ડા,નિઝર,ઉચ્છલ,સોનગઢ અને બાજીપુરા ખાતે ડોલવણ,વાલોડ અને વ્યારાના મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનો, સરપંચો, પદાધિકારીઓ સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને ઉપસ્થિત રહ્યા હતા.
……