શહેરમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા ૫૧ રત્નકલાકારોએ રક્તદાન કર્યું

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : યોદ્ધાઓ સાથે એકજૂથ થઈ કોરોના સામે લડવા સુરત શહેરના નાગરિકોએ વિક્રમજનક પ્લાઝમા ડોનેટ કરી દિલેરીના દર્શન કરાવ્યાં છે. હવે પ્લાઝમાની જરૂરિયાત ઘટી છે અને રક્તની અછત હોવાનું જાણીને સુરતની ‘નીલમાધવ ઇમ્પેક્ષ’ ડાયમંડ કંપનીની પ્રેરણાથી રત્નકલાકાર કર્મચારીઓએ રક્તની અછતને પૂરી કરવાનું બીડું ઉઠાવી બ્લડ ડોનેશન કેમ્પ યોજી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. કંપનીના ૫૧ કર્મચારીઓએ રક્તદાન કરી ૩૦ યુનિટ રક્ત એકત્ર કર્યું, જેને સ્મીમેર બ્લડ બેંકમાં જમા કરાવી માનવીય સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. વરાછાના માતાવાડી વિસ્તારમાં આવેલી નીલમાધવ ઇમ્પેક્ષના માલિકશ્રી જગદીશભાઇ લુખી અને જીવણભાઇ લુખીએ પણ પોતાના કર્મચારીઓ સાથે રક્તદાન કર્યું હતું. જગદીશભાઈ લુખીએ જણાવ્યું હતું કે, કોરોના વૈશ્વિક મહામારીમાં લોકડાઉન અમલી બન્યું ત્યારે કામ બંધ હતું. લોકડાઉન પુર્ણ થતા ડાયમંડ યુનિટ સરકારની ગાઇડ લાઇન મુજબ ફરીવાર શરૂ કરવામાં આવ્યું હતું. રત્નકલાકારો રોજીરોટી પૂરી પાડનાર કર્મભૂમિ સુરત શહેરનું ઋણ ચુકવવા અવારનવાર અનેક પ્રકારના લોકહિતના કાર્યોમાં યોગદાન આપે છે. આજે જ્યારે રક્તની જરૂર પડી છે, ત્યારે પણ એક સાથે અમારા ૫૧ રત્નકલાકારોએ બ્લડ ડોનેટ કરી અન્ય લોકોને પણ રક્તદાન કરવાની અપીલ કરી છે, જેથી જરૂરિયાતમંદ લોકોને સરળતાથી રક્ત મળી શકે. તેમણે વધુમાં કહ્યું કે, અમે આ અગાઉ કોરોના સંક્રમણને ધ્યાને લઈ તકેદારીના ભાગરૂપે અમારી કંપનીના ૨૦૦ રત્નકલાકારોના એન્ટીબોડી ટેસ્ટ કર્યા હતા, જેમાં ૯૦ રત્નકલાકારોએ પ્લાઝમાં દાન કર્યું હતું. જીવણભાઇ લુખીએ જણાવ્યું કે. ‘સુરતવાસીઓએ હાલના સમયમાં પ્લાઝમા ડોનેટ મોટી સંખ્યામાં કર્યું છે, પરંતુ રક્તદાનના આયોજન ખુબ ઓછા થઈ રહ્યા છે. આજે રક્તની અછતની સ્થિતિ જોવા મળી રહી છે એવું ધ્યાને આવતાં અમે અમારા કર્મચારીઓ સાથે મળીને સમાજને મદદરૂપ થવાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવાનું નક્કી કર્યું હતું. અને કંપનીમાં જ રક્તદાન શિબિરનું આયોજન કરી ૩૦ યુનિટ રક્ત એકત્ર કર્યું છે, અને સ્મિમેર હોસ્પિટલની બ્લડ બેંન્કમાં જમા કરાવ્યુ છે. આવનારા દિવસોમાં જરૂર પડ્યે વધુ રક્દાન શિબરનું આયોજન કરીશું એમ તેમણે ઉમેર્યું હતું.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other