આહવા ખાતે યોજાયો ખેડુત કલ્યાણ કાર્યક્રમ
સાંસદશ્રી ડો. કે.સી. પટેલે આપ્યુ ઉપયોગી માર્ગદર્શન
૧૯૯ લાભાર્થીઓને ₹ ૬૭ લાખથી વધુના લાભો એનાયત કરાયા
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :: તા: ૧૦: રાજ્યના ખેડૂતોને જરૂરી તમામ મદદ કરવા સરકાર કટિબદ્ધ છે, તેમ વલસાડ-ડાંગના સાંસદશ્રી ડો.કે.સી.પટેલે આહવા ખાતે જણાવ્યું હતું.
સરકારે ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સામે “સાત પગલાં ખેડૂત કલ્યાણના” સહિત “મુખ્યમંત્રી કિસાન સહાય” જેવી અનેકવિધ ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓ અમલી બનાવી
છેલ્લા ચાર વર્ષમાં ખેડૂતો પાસેથી રૂપિયા ૧૫,૦૦૦ કરોડના કૃષિ ઉત્પાદનોની ટેકાના ભાવથી ખરીદી કરી છે તેમ પણ ઉમેર્યું હતું.
આહવાના ડાંગ દરબાર હોલમાં આયોજિત કાર્યક્રમમાં રાજ્ય સરકાર ખેડૂતોના હિતોની રક્ષા માટે સંપૂર્ણ કટિબદ્ધ છે તેમ જણાવી શ્રી પટેલે “સાત પગલાં ખેડૂત કલ્યાણના” જેવી યોજનાથી રાજ્ય અને કેન્દ્ર સરકાર ખેડૂતની પડખે ઊભી રહી છે તેમ ઉમેર્યું હતું.
ખેડૂતોના મહેનતના રૂપિયા તેમના હકના નાણાં આપવા સરકાર હંમેશા તૈયાર છે. બીજાના દુઃખે-દુઃખી અને બીજાના સુખે-સુખીના ધ્યેય સાથે સરકાર લોકોની સેવા કરી રહી છે. આ સરકાર ખેડૂતોની, પીડિતોની, મજૂરોની અને ગરીબોની સરકાર છે. અમારી સરકાર માંગ્યા પહેલા આપતી સરકાર છે. જનતાની આકાંક્ષા-અપેક્ષા પ્રમાણે કામ કરતી સરકાર છે, તેમ પ્રાસંગિક ઉદબોધન કરતા માજી ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યું હતું.
શ્રી પટેલે દેશની જનતાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તેને પરિપૂર્ણ કરવા સરકાર લોકોના હિતમાં કામ કરી રહી છે તેમ પણ આ વેળા જણાવ્યુ હતુ
દરમિયાન ખેતીવાડી, બાગાયત તથા આત્મા પ્રોજેકટના અધિકારીઓએ પ્રાસંગિક માર્ગદર્શન આપ્યું હતું. મહાનુભાવોના હસ્તે ખેતી, પશુપાલન, અને બાગાયત ક્ષેત્રના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું પણ વિતરણ કરાયું હતું.
કાર્યક્રમમાં આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નરેશ વળવી, વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંકેત બંગાળ, સામાજિક કાર્યકર સુમનબેન દળવી સહિત જિલ્લા, તાલુકાના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
–