સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના લુવારા ગામના અનેક પ્રશ્નો વણઉકેલ્યા !
આઝાદીના 74 વર્ષ પછી પણ આદિવાસીઓ વીજળી વિના અંધારામાં જીવવા મજબુર !!
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : ભારત દેશ ડગલેને પગલે આગળ વધી રહ્યો હોવાની વાતો થઇ રહી છે ત્યારે અનેક ગામડા હજુ પણ વિકાસથી વંચિત હોવાની પ્રતીતિ થઇ રહી છે. જેમાં ગુજરાત રાજ્ય પણ બાકાત નથી. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલું લુવારા ગામ તેનું એક ઉત્તમ ઉદાહરણ છે. ગામમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ ઉપરાંત મુસ્લિમ સમાજની વસ્તી છે. જેમાં બહુલક વસ્તી આદિવાસી સમાજની છે. જે લોકો ખેતમજૂરી કરીને પોતાનું જીવન નિર્વાહ કરે છે. આઝાદીના 74 વર્ષ પછી પણ લુવારા ગામના આદિવાસીઓને સવલત મળી નથી અને અનેક યાતનાઓનો સામનો તેઓ કરી રહ્યા છે.
ચોમાસાના વરસાદનું પાણી તથા નદીના પાણી આદિવાસીઓના ઘરોમાં ઘૂસી જાય છે, આથી માટીના પાળા બાંધવા જરૂરી છે. ઉપરાંત ગામમાં ગટર નથી, જેથી ગંદુ પાણી રસ્તા પર આવે છે.આનાથી રસ્તાને નુકશાન થાઈ છે, માટે ગામમાં ગટર યોજનાની ગ્રાન્ટ મળવી જરૂરી છે. અન્ય સમસ્યાઓમાં આદિવાસીઓના સ્મશાને જવાનો રસ્તો કાચો છે, ચોમાસામાં પાણીમાં ચાલીને શબને લઇ જવું પડે છે, જેથી એ રસ્તો પાકો કરવાની તાતી જરૂરિયાત છે.
લુવારામાં આદિવાસી સમાજના ઘર કાચા છે તો તેઓને સરદાર આવાસ, ઇન્દિરા આવાસ, મુખ્યમંત્રી આવાસ યોજના જેવી સરકારી યોજનાનો લાભ મળવો જોઈએ. આઝાદી મળ્યાને 74 વર્ષ થયા છતાં કેટલાક વિસ્તારમાં તો આદિવાસી હજુ અંધારામાં જીવે છે તો તેમની વીજળી મળવી જોઈએ. વધુમાં હજુ સુધી આ ગામમાં સસ્તા અનાજની દુકાન નથી આવી, આથી લોકોએ બીજા ગામની દુકાને લેવા જવું પડે છે. ઉપરાંત ગામમાં રોજગાર નથી આથી યુવાનોએ બહારગામ રોજગાર માટે જવું પડે છે.જો પશુલોન મળે તો લોકોનું જીવન નિર્વાહ થઇ શકે એમ છે. વધુમાં ગામનું તળાવ ઊંડું કરીને પાણી ભરી, મચ્છી ઉદ્યોગ વિકસાવી શકાઈ તો રોજગારી મળી શકે એમ છે.
લુવારા ગ્રામ પંચાયત પાસે કચરો ભેગો કરવા માટે એક ટ્રેક્ટર પણ નથી, આથી સરકાર તરફથી ટ્રેક્ટર મળે તો ગામના ક્ચરો ભેગો કરીને ખાતર બનાવીને પંચાયત આવક ઉભી કરી શકે એમ છે. વધુમાં સ્મશાનભૂમિ તથા પાદરની વિશાળ જગ્યામાં વૃક્ષારોપણ કરાય તો પંચાયતને આવક થાય એમ છે. આમ લુવારા ગામની અનેક લોકસમસ્યા બાબતે વહીવટી તંત્ર તાકીદે ઉકેલ લાવે એવું ગ્રામજનો જણાવી રહ્યા છે.