સુબિર તાલુકાના કુલ ₹ ૧૪૫૭.૪૭ લાખના છ જેટલા માર્ગોનું ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા
પ્રજાજનોના સર્વાંગીણ વિકાસ માટે રાજ્ય સરકારે ડાંગના વિવિધ માર્ગોના નવિનિકરણ માટે ₹ ૩૦ કરોડ જેટલી માતબર રકમ ફાળવી છે – મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા
રાજ્ય સરકાર આગામી દિવસોમાં વધુ ₹ ૧૦ કરોડની જંગી રકમ ફાળવી રહી છે – મંત્રી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : સાપુતારા: તા: ૨૮: આદિવાસી પ્રજાજોના સર્વાંગીણ વિકાસ માટે હંમેશા ચિંતિત રાજ્ય સરકારે ડાંગ જિલ્લાના વિવિધ માર્ગોના નવિનિકરણ માટે તાજેતરમાં જ ₹ ૩૦ કરોડ જેટલી માતબર રાશિ ફાળવી છે, ત્યારે આગામી દિવસોમાં વધુ ₹ ૧૦ કરોડની જંગી રકમ આદિજાતિ વિકાસ વિભાગમાંથી ફાળવવામાં આવી રહી છે તેમ આદિજાતી મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું.
ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના કુલ ₹ ૧૪૫૭.૪૭ લાખના છ જેટલા માર્ગોના ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રીએ સ્થાનિક પદાધિકારીઓ એ ડાંગના પ્રશ્નો સંદર્ભે કરેલી રજુઆતો પરત્વે સંવેદનશીલતાપૂર્વક વિચારણા કરીને રાજ્ય સરકારે આ વર્ષો જુના પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે ત્યારે પ્રજાજનોએ પણ સરકારના હાથ મજબૂત કરી, વિકાસમાં સહભાગી થવાનું છે તેમ વધુમાં જણાવ્યું હતું.
“કોરોના” સંક્રમણ વચ્ચે પણ ગુજરાતની વિકાસ યાત્રા “ન રૂકના હે, ન ઝુકના હે” ના ધ્યેય સાથે આગળ વધી રહી છે. જેની પ્રતીતિ છેવાડાના માણસોને પણ થઈ રહી છે. તેમ જણાવી મંત્રીશ્રીએ પાછલા ચાર વર્ષોમાં જનહિતલક્ષી અપાર નિર્ણયો લઈને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકારે જન જનને વિકાસનો અહેસાસ કરાવ્યો છે, તેમ ઉમેર્યું હતું.
નિર્ણાયક નેતૃત્વ સાથે આપત્તિને અવસરમાં પલટી, સૌને સાથે લઈને સફળતાનો માર્ગ કંડારી રહેલી રાજ્ય સરકારે વિકાસની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, જેના સુફળ છેવાડાના લોકોને પણ મળી રહ્યા છે તેમ જણાવતા શ્રી ગણપતસિંહ વસાવાએ માર્ગોનો વિકાસ ગુજરાતના સર્વાંગીણ વિકાસનો રાજમાર્ગ બની રહ્યો છે, તેમ જણાવ્યું હતું.
દેશનું ઉત્તમ રોડ નેટવર્ક સ્થાપીને ગુજરાતે દેશને લાંબા, પહોળા જ નહીં, મજબૂત અને ટકાઉ રસ્તાઓની બાબતમાં પણ શ્રેષ્ઠ મોડેલ પૂરું પાડ્યું છે, જેની નોંધ યુનાઇટેડ નેશન દ્વારા પણ લેવામાં આવી છે. તેમ જણાવી મંત્રીશ્રીએ પીપલાઇદેવી, પીપલદહાડ, શેપુઆંબા, અને કાકશાળા ખાતે ઉપસ્થિત પ્રજાજનોને રાજ્ય સરકારની વિકાસ માટેની પ્રતિબદ્ધતા થી અવગત કરાવ્યા હતા.
ઉલ્લેખનિય છે કે, આજે મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ ડાંગ જિલ્લાના કુલ રૂ. ૧૪૫૭.૪૭ લાખના અગત્યના છ જેટલા અંતરિયાળ માર્ગોનું ખાતમુહૂર્ત કર્યું હતું.
જેમાં (૧) લવચાલી-ચીંચલી વાયા પીપલાઇદેવી રોડ રૂ. ૫૪૩.૬૭ લાખના ખર્ચે, (૨) વંજારઘોડી મેઈન રોડથી પ્રાથમિક શાળા સુધીનો રસ્તો રૂ. ૧૪.૭ લાખ, (૩) પીપલાઇદેવી થી પીપલદહાડ માર્ગ રૂ. ૨૬૭.૧૪ લાખ, (૪) ગારખડી-ખાજૂરણા-પીપલદહાડ રોડ રૂ. ૩૫૪.૪૭ લાખ, (૫) કરંજડા-શેપુઆંબા રોડ રૂ. ૧૫૪.૧૬ લાખ, તથા (૬) શીંગાણા થી કાકશાળા રોડ રૂ. ૧૨૩.૩૩ લાખના ખર્ચે તૈયાર થનાર છે.
આમ, ડાંગ જિલ્લાના પૂર્વીય પટ્ટીના સુબિર તાલુકાના અંતરિયાળ વિસ્તારોને જોડતા કુલ છ જેટલા માર્ગોનું કુલ રૂ. ૧૪૫૭.૪૭ લાખના ખર્ચે નવિનિકરણ હાથ ધરાશે.
શ્રેણીબદ્ધ યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી બીબીબેન ચૌધરી, સુરતના ધારાસભ્ય શ્રી પુરણેશ મોદી, આદિજાતિ વિકાસ નિગમના ડિરેકટર શ્રી બાબુરાવ ચોર્યા, પૂર્વ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, જનપ્રતિનિધીઓ સર્વશ્રી રાજેશભાઈ ગામીત, દશરથભાઈ પવાર, સુરેશભાઈ ચૌધરી, કિશોરભાઈ પટેલ, રમેશભાઈ ગાંગુરડે, ગિરીશ મોદી, ઊર્મિલાબેન બાગુલ સહિત સ્થાનિક સરપંચો, અને શ્રી અશોકભાઈ ધોરજીયા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જેમણે ઠેર ઠેર સ્થાનિક ડાંગી બોલીમાં કાર્યક્રમનો ઉદ્દેશ સ્પષ્ટ કરી પ્રજાજનોને સંબોધન કર્યું હતું.
વરસતા વરસાદમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણીયા, ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી અગ્નિશ્વર વ્યાસ, પ્રાયોજના વહીવટીદાર શ્રી કે.જી.ભગોરા, કાર્યપાલક ઇજનેરે શ્રી જે.કે.પટેલ, નાયબ ઇજનેરો સર્વશ્રી અમિશ પટેલ અને સંદીપ માહલા, તાલુકા વિકાસ અધિકારી શ્રી સી.ડી.વ્યવહારે, આર.એફ.ઓ. શ્રી મિત્તલ પટેલ, માહિતી વિભાગની ટીમ સહિતના અધિકારીઓ એ ઉપસ્થિત રહી, તેમની ભૂમિકા નિભાવી હતી.
–