વનમંત્રીનાં હસ્તે સુરત જિલ્લાનાં ત્રણ તાલુકાઓમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ ખેડુતોને લાભોનું વિતરણ કરાશે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેતીવાડીને લગતી નવી યોજનાઓથી ખેડુતોને માહિતગાર કરવાના ઉદ્દેશ સાથે સુરત જિલ્લામાં ત્રણ તાલુકાના કલસ્ટરોમાં વન, આદિજાતિમંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમો યોજાશે. જેમા બારડોલી, પલસાણા અને મહુવા તાલુકાના ખેડૂતો માટે તા.૨૯/૮/૨૦૨૦ના રોજ સવારે ૧૦.૦૦ વાગે બારડોલી તાલુકા મથકની વિઠ્ઠલવાડી ખાતે તથા માંડવી, માંગરોળ અને ઉમરપાડા તાલુકાના ખેડુતો માટે બપોરે ૧.૦૦ વાગે માંડવીના કૃષિમંગલ હોલ ખાતે કાર્યક્રમ યોજાશે. ઓલપાડ, કામરેજ અને ચોર્યાસીના ખેડુતો માટે તા.૩૧/૮/૨૦૨૦ના રોજ સવારે ૧૦.૦૦ વાગે કામરેજ તાલુકા મથકેના ઉમામંગલ હોલ ખાતે કાર્યક્રમો યોજાશે. જેમાં ખેડુતોને માલવાહક યોજના તથા પાક સંગ્રહ સ્ટ્રકચર(ગોડાઉન) યોજના હેઠળ નોંધાયેલા ખેડુતોને સહાયના મંજુરીપત્રોનું મંત્રીશ્રી વસાવાના હસ્તે એનાયત કરવામાં આવશે. કાર્યક્રમમાં સરકાર દ્વારા નિયત થયેલી કોવિડ-૧૯ અંગેની ગાઈડલાઇનનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.