સુરત : માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ૧.૫૦ કરોડના રસ્તાના કામો મંજૂર કરાયા
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાનાં માંગરોળ અને ઉમરપાડા તાલુકાના જાગૃત ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના પ્રયાસથી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ત્રણ જેટલા રસ્તાઓને જોબ નંબર ફાળવી ગ્રાન્ટ મંજૂર કરાતા સ્થાનિક પ્રજાજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે.
માંગરોળ તાલુકાના મોલવણ ગામના એપ્રોચ રોડ માટે રૂપિયા ૭૦ લાખ, લવેટ હરિફળીયા રોડ માટે રૂપિયા ૬૦ લાખ તેમજ ઉમરપાડાના જામણ ફળિયા રોડ માટે રૂ. ૨૦ લાખ મંજૂર કરાયા છે. કુલ રૂપિયા.૧.૫૦ કરોડના કામો મંજૂર થયા છે.
માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ ગામીત, ઉપપ્રમુખ મીનાક્ષીબેન મહિલા તેમજ તાલુકા ભાજપ સંગઠનના આગેવાનો અને ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ દરિયાબેન વસાવા સહિત તાલુકા ભાજપ સંગઠનના આગેવાનોએ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાનો રસ્તાના કામો મંજૂર કરાવવા બદલ આભાર માન્યો હતો.