સુરત શહેરના પ્રવેશદ્વારો પર કોરોના રેપિડ ટેસ્ટ સેન્ટરો શરૂ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત સહિત રાજ્યભરમાં ઉદ્યોગો ધમધમતા થઈ રહ્યા છે. આ ઉદ્યોગોમાં સુરત બહાર ઉપરાંત અન્ય પ્રાંતમાંથી મોટી સખ્યામાં શ્રમિકો સુરત આવી રહ્યા છે. હાલ સુરતના કોરોનાનું સંક્રમણ કાબુમાં છે. આવા સમયે ફરીથી કોરોનાનું સંક્રમણ વધુ ન થાય તેમજ શહેરમાં કોરોના વાયરસના સંક્રમણને નિયત્રિત કરવાં માટે બહારથી સુરતમાં પ્રવેશ કરતા લોકો માટે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના પ્રવેશદ્વાર કામરેજ વિસ્તારના વાલક ચાર રસ્તા તેમજ પલસાણા ભાટિયા ચાર રસ્તા પર કોરોના રેપીડ ટેસ્ટ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છ જ્યાં સુરત બહારના અન્ય પ્રાંત તથા જિલ્લાઓમાંથી આવતા લોકોને થર્મલ ગન દ્વારા ચેકીંગ કરી જરૂરી જણાય તો રેપીડ ટેસ્ટ કરી જરૂરી દવા આપવામાં આવે છે ઉપરાંત જરૂર જણાય તો સ્મીમેર અથવા નવી સિવિલ હોસ્પીટલમાં રિફર કરવામાં આવે છે. આ સેન્ટર ઉપર રોજના ૮૦૦ થી ૯૦૦ લોકોની પૂછપરછ કરી ક્યાંથી આવે છે અને સુરતના કયા વિસ્તારમાં જઈ રહ્યા છે તેમજ કેટલા દિવસ સુરતમાં રોકાવવાના છે તેવી તમામ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.વાલક પાટીયા ખાતે ફરજ પર હાજર ડો. વિશાલ પટેલે જણાવ્યું કે, જે પણ લોકો સુરત બહારથી આવે છે તેમના અહી ચેકીંગ કરીને જરૂરી જણાય તો રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે. રીપોર્ટ મુજબ યોગ્ય સલાહ સૂચનો આપી હોમ કોરન્ટાઇન કરવામાં આવે છે.પલસાણા ચોકના રેપીડ ટેસ્ટ સેન્ટરના લેબ ટેકનીશીયન પરેશ પટેલ જણાવ્યું કે, સુરત બહારથી આવતા લોકોના સેમ્પલ લઈ ત્વરિત ટેસ્ટ કરવામાં આવે છે. જો પોઝીટીવ રિપોર્ટ આવે તો તેમણે સિવિલ અથવા સ્મીમેરમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે ખસેડવામાં આવે છે મહારાષ્ટ્રથી આવતા યોગેન્દ્ર નિશાદ તથા તેમના ભાઈ દેવેન્દ્ર નિશાદને પલસાણા રેપીડ ટેસ્ટ સેન્ટર ઉપર ચેક કરતાં તેઓ ડીંડોલી વિસ્તારના સોમનાથ નગરના રોકાણ કરવાના હોવાનું જણાવ્યું હતું. જેથી તાત્કાલિક તેમનો રેપીડ ટેસ્ટ કરતાં રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. ત્યારબાદ તેમને આગળની સલાહ સૂચનો આપી સુરતમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. યોગેન્દ્ર નિશાદ જણાવે છે કે, સુરત અમારી કર્મભૂમિ છે લોકડાઉન થતા અમે અમારા વતન ગયા હતા. હાલ પરિસ્થિતિ સારી થતા ઉદ્યોગ ધંધા ચાલુ થયા છે અને રોજગારી માટે પાછા સૂરત આવ્યા છીએ. સરકાર દ્વારા સ્વાસ્થ્યની જે કાળજી લેવામાં આવી રહી છે તે બદલ તેમણે સરકારનો આભાર માન્યો હતો.