ડાંગ જિલ્લામા એક સાથે એક જ પરિવારના આઠ સભ્યોના રીપોર્ટ “કોરોના” પોઝેટીવ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : તા: ૨૧: ગુજરાતના સરહદી વિસ્તાર એવા ડાંગ જિલ્લામાં આજે તા.૨૧મી ઓગસ્ટ ૨૦૨૦ના રોજ એક સાથે આઠ “કોરોના” પોઝેટીવ કેસ નોંધાતા અહિયા કુલ ૪૨ જેટલા કેસ સરકારી દફતરે નોંધવા પામ્યા છે. જે પૈકી આજદિન સુધી ૩૨ દર્દીઓને તેઓ સારવાર બાદ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. જયારે આજની તરીકે ૧૦ દર્દીઓ સારવાર/આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે.
જિલ્લાના આરોગ્ય તંત્ર તરફથી મળેલી વિગતો અનુસાર આજ તા.૨૧/૮/૨૦૨૦ સુધીમાં જિલ્લામાંથી કુલ ૪૭૧૬ સેમ્પલો લેવામાં આવ્યા છે. (એક સેમ્પલ તાપી જીલ્લાના દર્દીનું લેવાયું હતું) જે પૈકી ૪૬૩૮ સેમ્પલ નેગેટીવ આવવા પામ્યા છે. આજ તા.૨૧/૮/૨૦૨૦ ના રોજ લેવામાં આવેલા ૩૫ સેમ્પલના રીઝલ્ટ પેન્ડીંગ છે. જયારે આજે લેવાયેલા ૧૪૯ એન્ટીજન ટેસ્ટના સેમ્પલ પૈકી ૧૪૨ નેગેટીવ, અને ૭ પોઝેટીવ રીઝલ્ટ મળ્યા છે. ગઈ કાલે તા.૨૦/૮/૨૦૨૦ના રોજ લેવામાં આવેલા ૭૧ સેમ્પલો પૈકી ૭૦ નેગેટીવ, અને ૧ પોઝેટીવ રીઝલ્ટ સામે આવ્યા છે. આમ, આજે ડાંગ જિલ્લામાં એક સાથે ૮ “કોરોના” પોઝેટીવ કેસ નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે, સાપુતારા (નવાગામ)ના ૭૪ વર્ષીય પુરુષ સહિત તેના ઘરના સભ્યોમાં ૪૫, અને ૨૦ વર્ષીય યુવક ઉપરાંત ૬૯ અને ૪૨ વર્ષીય સ્ત્રી, ૧૭ અને ૧૨ તથા ૧૧ વર્ષીય કિશોરી મળી કુલ આઠ સભ્યોના રીઝલ્ટ પોઝેટીવ આવ્યા છે.
“કોરોના”ને લઈને ડાંગ જિલ્લામાં આજની તારીખે ફેસીલીટી ક્વોરોન્ટાઈન કરેલા વ્યક્તિઓની સંખ્યા શૂન્ય, જયારે ક્વોરોન્ટાઈનમાં રાખેલ વ્યક્તિઓની સંખ્યા ૧૭૫, અને ક્વોરોન્ટાઈન પૂર્ણ થયા હોય તેવા વ્યક્તિઓની સંખ્યા ૩૦૯૩ છે.
આ ઉપરાંત ડાંગ જિલ્લામાં “કોરોના”ને પગલે કન્ટેઇન્મેન્ટ ઝોન (૧) દાબદર, (૨) ભરવાડ ફળિયું, મંદિર ફળિયું, આશાનગર તથા સી.એચ.સી. કેમ્પસ/ક્વાર્ટર નંબર ; બી/૨-વઘઈ, (૩) પટેલપાડા અને ડુંગરી ફળિયું-આહવા, (૪) પીપલપાડા-પીપલાઈદેવી, (૫) લાંબાસોંઢાં-ખેરીન્દ્રા, (૬) હુમ્બાપાડા, તથા (૭) જામનપાડા-સુબીર ખાતે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી છે. જેમાં ILI શૂન્ય કેસ, અને SARI શૂન્ય કેસ નોંધાયા છે.