નિઝરનાં સરવાળા ગામમાં વરસાદી પાણીનાં નિકાલની વ્યવસ્થાનાં અભાવે બ્લોક ચીકણા થયા : અકસ્માત થવાનો ભય
(મુકેશ પાડવી, દ્વારા વેલ્દા-નિઝર) : નિઝર તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત સરવાળા ગામમાં ગટર ન બનાવવામાં આવતા વરસાદી પાણીનો ભરાવો થતાં ગામની ગલીઓમાં વરસાદનું પાણી અને કાદવ કીચડ જોવા મળી રહ્યો છે.
નિઝર તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત સરવાળા ગામનાં ગ્રામજનો જણાવે છે કે જયારે સરવાળા ગામમાં પેવર બ્લોક બેસાડવામાં આવ્યા હતા ત્યારે ગ્રામજનોએ તલાટી કમ મન્ત્રી અને સરપંચને જાણ કારી ધ્યાન દોર્યુ હતું કે, વરસાદી પાણીનાં નિકાલ માટે ગટર લાઇનનું કામ પહેલા કરવુ જોઇએ, પરંતુ સરપંચ અને તલાટીએ ગ્રામજનોની વાત પર ધ્યાન આપ્યું નહીં. અને પેવર બ્લોક બેસાડી દેવવામાં આવ્યા. બેસાડેલા પેવર બ્લોકની કામગીરીમાં નકરી વેઠ ઉતરવામાં આવી હતી. બ્લોક બેસાડતા સમયે યોગ્ય પુરાણ ન કરવામા આવતા વરસાદમાં બ્લોક નીચે બેસી જવા પામ્યા છે. જેના કારણે પાણીનો ભરાવો થાય છે. હાલમાં સરવાળા ગામમાં પેવર બ્લોક પર કીચડ અને પાણી જોવા મળી રહ્યું છે. ઠેર ઠેર ગંદગીનો જમાવડો સરવાળા ગામમાં જોવા મળી રહયો છે. ગામમાં રહેનાર લોકો ગંદકીથી ત્રહિમામ પોકારી ઊઠ્યા છે. આ અંગે વારંવાર ગ્રામજનોએ સરપંચ અને તલાટીને મૌખિક રજુઆત કરી છે. છતાં પણ ગ્રામજનોની વેદના સરપંચ અને તલાટીના બહેરા કાને સંભળાતી નથી ? એવું લાગે છે કે અધિકારીઓ આંખ આડા કાન કરીને બેસી રહયા છે !
સરવાળા ગામમાં પેવર બ્લોક ઉપર ખૂબ જ ગંદકી અને લીલ જામી ગઈ છે જેના કારણે પેવર બ્લોક પરથી રાહદારી અને વાહન ચાલકો પસાર થાય છે ત્યારે ચીકણા થયેલા પેવર બ્લોક ઉપર લપસી પડે છે. જયારે અહી અક્સમાતોમાં કોઇ વધારે ઈજાગ્રસ્ત થશે ત્યારે પ્રશાસન દોડશે ? હાલમાં એ જોવાનું રહયું કે સરવાળા ગામમાં ગંદકી દૂર થશે ? કે પછી કોઈની જાનહાની થશે ? કે પછી પ્રશાસન હાથ પર હાથ ધરીને બેસી રહશે ? એ આવનારો સમય જ બતાવશે.