તા.૨૪ અને ૨૫ ઓગસ્ટના રોજ ગુજકેટ-૨૦૨૦ તથા શિક્ષણ બોર્ડની HSC /SSC પૂરક પરીક્ષા યોજાશે
(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા;બુધવાર: તાપી જિલ્લા શિક્ષણાધિકારીની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ હાલમાં ચાલી રહેલા કોરાના વાઈરસની પરિસ્થિતિને ધ્યાને લઈ ગુજકેટ- ૨૦૨૦ની પરીક્ષા તા: ૨૪/૦૮/૨૦૨૦ના રોજ તથા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની HSC (વિજ્ઞાન પ્રવાહ)ની પૂરક પરીક્ષા-૨૦૨૦ તથા SSC પૂરક પરીક્ષા-૨૦૨૦ તારીખ: ૨૫/૦૮/૨૦૨૦થી તાપી જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતેથી યોજાનાર છે જે બાબતે પરીક્ષાર્થીઓ તથા વાલીઓએ આ મુજબની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ૧. પરીક્ષાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરીને આવવું. ૨. પરીક્ષા સ્થળના મુખ્ય દરવાજા પાસે પરીક્ષાર્થી તથા વાલીઓએ બિનજરૂરી ભીડ કરવી નહી, એકબીજાની વચ્ચે 6 ફુટનું અંતર રાખવું. ૩. પરીક્ષાર્થીઓએ બિનજરૂરી રીતે દિવાલો, રેલીંગ, દાદરની પેરાફીટ જેવી વસ્તુઓને અડકવું નહી. ૪. સંપૂર્ણ પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષાર્થીઓએ પરીક્ષા સ્થળનાં મેદાનમાં, લોબીમાં કે પરીક્ષા સ્થળ બહાર ટોળાં થવું નહી. ૫. પરીક્ષા પૂર્ણ થયે પરીક્ષાસ્થળના કંપાઉન્ડની બહાર એક-એક કરીને ઝડપથી પરીક્ષા સ્થળ છોડી દેવું. ૬. પરીક્ષાર્થીઓ પારદર્શક પાણીની બોટલ લઈને પરીક્ષાખંડમાં બેસી શકશે. ૭. તમામ પરીક્ષાર્થીઓએ ગુજકેટ માટે ફરજીયાત નવી હોલ ટીકીટ ડાઉનલોડ કરી લેવાની રહેશે.