દિવાળી પર સોનું ખરીદતા પહેલા સાવધાન! સોનામાં પાઉડર ભેળવીને થઈ રહી છે છેતરપિંડી
તહેવારની સિઝન શરૂ થતાં જ સોનાની માંગમાં વધારે થયો છે. આ સાથે જ છેતરપિંડીનો ધંધો પણ ખૂબ વધ્યો છે. જો તમે પણ સોનું ખરીદવા જઈ રહ્યા છો તો આ સમાચાર જરૂર વાંચો. નહીં તો તમે પણ છેતરપિંડીની ભોગ બની શકો છો. નવભારત ટાઇમ્સમાં છપાયેલા સમાચાર પ્રમાણે દિલ્હીમાં અમુક જ્વેલર્સ સોનામાં એક ખાસ પાઉડર ભેળવી રહ્યા છે. આ પાઉડર સોનામાં એવી રીતે ભળી જાય છે કે સોનાની કસોટી કરતી વખતે પણ પકડમાં નથી આવતો. ચાંદની ચોકના કૂચા મહાજનીમાં ધ બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ યોગેશ સિંઘલના કહેવા પ્રમાણે તેમને આવી ફરિયાદો મળી રહી છે.
આ કારણે આ દિવાળી પર લકી ડ્રો કે સસ્તામાં સોનું મેળવવાની લાલચમાં આવશો નહીં. કારણ કે પહેલા આ પાઉડર ફક્ત ચેનમાં ભેળવવામાં આવતો હતો. હવે આ પાઉડર અન્ય ઘરેણાંઓમાં પણ ભેળવવામાં આવી રહ્યો છે. આ પાઉડર સોના સાથે એવી રીતે ભળી જાય છે કે તમે આખું સોનું પીગળાવી દો તો પણ ખબર નથી પડતી.
બચવા માટે શું કરશો? : કોઈ પણ ફ્રોડથી બચવા માટે હંમેશા હોલમાર્ક વાળી જ્વેલરી ખરીદવાનું પસંદ કરો. કારણ કે હોલમાર્ક એ શુદ્ધતાની ગેરંટી છે. જો હોલમાર્ક વાળા સોનામાં 999 લખ્યું છે તો સોનું 99.9 ટકા શુદ્ધ છે. જો હોલમાર્ક સાથે 916 લખેલું છે તો તે ઘરેણા 22 કરેટના છે અથવા 91.6 ટકા શુદ્ધ છે.
કિંમત અંગે સાવધાન રહો : સોનાની જ્વેલરી ક્યારેય પણ 24 કેરેટ સોનામાંથી બનતી નથી. મોટાભાગના ઘરેણા 22 કેરેટ કે તેનાથી ઓછા કેરેટમાં બને છે. આથી જ્યારે પણ સોનાની ખરીદી કરવા માટે જાવ ત્યારે ધ્યાન રાખો કે પૈસા 22 કેરેટ કે જેટલા કેરેટના ઘરેણાં હોય એ પ્રમાણે આપો. સોનું ખરીદતી વખતે બિલ પર સોનાની શુદ્ધતા અને કિંમત જરૂર લખાવો.
પાકુ બિલ મેળવો : સોનાનો સિક્કો કે જ્વેલરી ખરીદતી વખતે કાચી ચિઠ્ઠી લઈને અમુક પૈસા બચાવવાનો અલગ ટ્રેન્ડ ઉભો થયો છે. પરંતુ આ માન્યતા ખોટી છે. અનેક વખત દુકાનદાર સોનું પરત કરતી વખતે કાચી ચિઠ્ઠી પોતાનું હોવાનો ઇન્કાર કરી દેતા હોય છે. જેનાથી તમને નુકસાન થઈ શકે છે.