ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા ડાંગ જિલ્લામાં વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : આહવા; તા; ૧૦; સ્વચ્છ અને હરિયાળા ગામ ના નિર્માણની થીમ સાથે ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હસ્તકના નહેરુ યુવા કેન્દ્ર-આહવા દ્વારા ડાંગ જિલ્લામાં શ્રેણીબદ્ધ વૃક્ષારોપણના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે.
જિલ્લા યુવા સંયોજક શ્રી અનુપ ઇન્ગોલે દ્વારા મળેલી વિગતો અનુસાર ડાંગ જીલ્લાના આહવા, વઘઈ. અને સુબીર તાલુકાઓમાં નહેરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો અને યુવા તથા મહિલા મંડળોના સક્રિય પ્રયાસોથી ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. જુલાઈ ૨૦૨૦ થી સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી હાથ ધરાયેલી આ ઝુંબેશ અંતર્ગત જીલ્લાના ૧૨૦ ગામોમાં અંદાજીત ૩૦૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે. વન વિભાગના સહયોગથી હાથ ધરાયેલા આ કાર્યક્રમનો ઉદ્દેશ શુદ્ધ વન, પર્યાવરણ સાથે પ્રકૃતિના જતન અને સંવર્ધન બાબતે પ્રજાકીય જાગૃતિ કેળવવાનો છે, તેમ પણ શ્રી ઇન્ગોલેએ વધુમાં જણાવ્યું છે.