ડાંગ જિલ્લામાં દમણગંગા વિભાગ દ્વારા રીપેરીંગ કરાયેલા ચેકડેમોની તપાસ હાથ ધરવા માંગ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસુ નબળું રહેતા આદિવાસી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે દમણગંગા વિભાગે નિર્માણ કરેલા અનેક ચેકડેમો રીપેર કર્યા બાદ પણ પાણીનો સંગ્રહ ન થતા ચાલુ વર્ષે રીપેરીંગ કરેલા ચેકડેમોની તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉભી થવા પામી છે.
મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર ડાંગ જિલ્લામાં આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વર્ષે કરોડો રૂપિયાનો આંધણ કરે છે, પરંતુ તેનું યોગ્ય આયોજન કે સુપરવિઝન ન થતા યોજનાઓ સકાર થતા પહેલા જ જર્જરિત અવસ્થામાં આવી જતા સરકારનો ધ્યય સિદ્ધ થતો નથી. ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન નકામું વહી જતું પાણી રોકવા રાજ્ય સરકાર ના દમણગંગા યોજના હેઠળ સેંકડો ચેકડેમો બનાવ્યા છે. પરંતુ આ યોજનામાં શરૂઆતથી જ ઇજારદાર અને અધિકારીઓની બંદરબાટ નીતિ રીતિ ના પગલે ચેકડેમના પાયામાંજ નિમ્નકક્ષાનું મટીરીયલ વાપરી ભારે ગેરરીતિઓના પગલે ચેકડેમ પ્રથમ વરસાદ માંજ લીકેજ થઈ જાય છે યા તો ધોવાય જતા યોજના નિષફળ નીવડે છે. ત્યારબાદ ચેકડેમ રીપેરીંગ ના નામે માત્ર નામ માત્ર ચેકડેમો કાગળ પર દર્શાવી નાણાં ગપચાવી લેવાય છે. ચીખલી થી વાસુરણા જતા માર્ગ ની સાઇડે બનાંવેલ ચેકડેમ ના પાયામાં ઇજારદારે ઉતરેલી વેઠ થી ચેકડેમમાં ગાબડું સર્જાતા ચેકડેમની ગુણવત્તા ની પોલ ખુલવા સાથે જંગલી પ્રાણીઓ માટે આશ્રયસ્થાન જેમ ગુફા બની જવા પામી છે. આ સંદર્ભે દમણગંગા વિભાગ દ્વારા ચાલુ વર્ષે કરેલા ચેકડેમો ના રીપેર કામગીરી માટે સ્થાનિક આગેવાન દ્વારા જાહેર માહિતી અધિકાર મુજબ તજવિજ હાથ ધરી છે. ત્યારે આ સમગ્ર બાબતે તઠસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી.