પિતાએ પ્રેરણા આપી હતી : કંઈ પણ થાય, કોરોનાગ્રસ્તોની સેવાને પ્રાથમિકતા આપજે : શાહીન સૈયદ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરતના અલથાણ કોમ્યુનિટી આઇસોલેશન સેન્ટરમાં ફરજ બજાવતાં મહિલા કેર ટેકરના પિતાનું અવસાન થતા આઘાતની લાગણીને હૃદયમાં દબાવી દર્દીઓની સેવાને પ્રાધાન્ય આપ્યું હતું. સવારે વિડિયો કોલથી પિતાને અંતિમ વિદાય આપી અને એ જ દિવસની સાંજે ફરજ પર આવી કોરોના દર્દીઓની સેવામાં લાગી ગયા હતાં. પિતાનું અવસાન છતા કોરોનાગ્રસ્તોની સેવામાં સમર્પિત રહેલાં આ કોરોના ફાઈટર છે સુરતના લિંબાયત વિસ્તારના શાહીન સલીમ સૈયદ. ‘બેટા, કંઈ પણ થાય, કોરોનાગ્રસ્તોની સેવાને પ્રાથમિકતા આપજે.’ એવા પિતાના પ્રેરણાદાયી શબ્દોનું પાલન કરી સાચી શ્રદ્ધાંજલિ અર્પી છે. મહારાષ્ટ્રના માલેગાંવમાં રહેતા પિતા શબીર ખાનનું અચાનક અવસાન થયાના સમાચાર મળ્યા ત્યારે સૂરત ખાતે સેવા બજાવતા દીકરી શાહીદ સૈયદ શોકમગ્ન બની ગયાં પરંતુ બીજી જ પળે સ્વસ્થ બની વિડીઓ કોલથી છેલ્લી વાર પિતાનું મોં જોયું અને એ જ દિવસે સાંજે કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં પ્રવૃત્ત પણ થઈ ગયાં. તેમણે કહ્યું કે, ‘હું અને મારા પતિ ‘અટલ સંવેદના કોવિડ કેર સેન્ટર’માં સાથે જ હાઉસ કિપીંગ અને કેર ટેકિંગની ફરજ બજાવીએ છીએ. કોરોનાના દર્દીઓની સેવા સાથે હાઉસકિપીંગની જવાબદારી નિભાવું છું. પિતાના મૃત્યુનો શોક થવો સ્વાભાવિક છે, પરંતુ વિકટ સમયમાં સેવા કરવી એ મારી નૈતિક ફરજ છે. મારા પતિ અને પરિવારે પણ મને ખૂબ સહકાર આપ્યો છે.