સુમુલ ડેરીની ઘોર બેદરકારી : માંડવીનાં ઇસર ગામે દૂધડેરીના સભાસદને આપવામાં આવેલી મીઠાઇમાંથી ઈયળ નીકળી
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાનાં માંડવી તાલુકાનાં ઇસર ગામે દૂધમંડળીમાંથી રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મીઠાઈ આપવામાં આવી હતી. પરંતુ એક સભાસદના મીઠાઈના ડબ્બામાંથી ઈયળ નીકળતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. તારીખ 3 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર હોવાથી દૂધમંડળીમાં સુમુલડેરી પાસેથી મીઠાઈ મંગાવવામાં આવી હતી. 2 ઓગસ્ટની સાંજે ઇસર ગામે મીઠાઇનાં બોક્ષનું દુધમંડળીનાં સભાસદોને વિતરણ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ સભાસદે જ્યારે ઉપયોગમાં લેવા સવારે બોક્સ ખોલ્યું તો મીઠાઈમાં ઈયળ જોવા મળી હતી અને આ બાબતે દૂધમંડળીનાં પ્રમુખને જાણ કરી હતી. દૂધમંડળીના પ્રમુખ દ્વારા આ મીઠાઇનું બોક્ષ ડેરીએ મંગાવી તપાસ કરતાં ઇયળો જોવા મળી હતી. આ બાબતની જાણ સુમુલડેરીનાં ફિલ્ડ સુપરવાઇઝર ઝરણાબેન તથા કો-ઓર્ડિનેટર રાકેશભાઇને કરાઇ હતી. અને તેમણે આ વાતની જાણ સુમુલમાં કરતાં, અધિકારીઓ દ્વારા “એક બોક્ષ ખરાબ છે તો તેની કિંમત અમે નહી લઈએ અને આપેલ મીઠાઈના જથ્થામાંથી અમે એક બોક્સ બાદ કરી એ સભાસદ પાસેથી પૈસા નહી લઇએ” એવુ જણાવવામાં આવ્યું હતુ.
જેથી ગામના તમામ પશુપાલકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યુ હતુ કે ગામડાઓની ડેરીમાં જે પશુપાલકો દૂધ ભરે છે તેઓ તહેવાર દરમિયાન પોતાનાં પરિવાર માટે પેંડા શ્રીખંડ, ઘારી, ઘી જેવી બનાવટ બજારમાં ખરીદી કરવાના બદલે સુમુલ ડેરી પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ કરી પોતાના ગામની ડેરીઓમાંથી જ ખરીદી કરે છે ત્યારે સુમુલ ડેરી પશુ પાલકો તેમજ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે.સુમુલ ડેરીના અધિકારીઓ ચુંટણીમાંથી નવરાશ મળી હોય તો ડેરીની અંદર બનાવામાં આવતી તમામ બનાવટ ની યોગ્ય રીતે ચકાસણી કરી પશુપાલકો તેમજ ગ્રાહકોને ને ઉત્તમ ગુણવત્તાવાળી બનાવટ મળી રહે તે તરફ પણ ધ્યાન આપવું જોઇએ.