વ્યારા નગરની કોરોના અંતર્ગતની કામગીરી ખોરંભે પડી : આરોગ્ય કર્મચારીઓએ ખાલી જગ્યાઓ પર કામગીરી ફગાવી
વ્યારા નગરમાં કોરોના પોઝીટીવ કેસોના વધારા વચ્ચે આરોગ્ય કર્મચારીઓએ ખાલી જગ્યાઓ પર કામગીરી ફગાવી…
વ્યારા નગર ખાતે સંક્રમણ વધતા કોરોના સર્વેલન્સ તથા આર.ટી.પી.સી.આર. અને એન્ટી રેપીડ ટેસ્ટના ટાર્ગેટ પુર્ણ ના થતા આરોગ્યની સેવાઓ ખોરંભે પડી છે….
તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના આદેશનુ ચુસ્ત પાલન….
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળના તા.૯.૭.૨૦૨૦ના આદેશ મુજબ આરોગ્ય કાર્યકરોની ૯૪ ખાલી જગ્યાઓ ના ભરાય ત્યા સુધી કે મંડળનો બીજો આદેશ ન થાય ત્યા સુધી મંજુર થયેલ મહેકમની ખાલી જગ્યાઓનો તમામ પ્રકારનો સંપુર્ણ ચાર્જ છોડી દેવાના આદેશને વળગી રહેતા જીલ્લા પંચાયતના કાર્ય વિસ્તારના ગામ્ય કક્ષાના સબસેન્ટરના ગામોમાંથી વ્યારા નગરમાં આનુસંગિક કામગીરી કરવાના તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવેલ હુકમને આરોગ્ય કર્મચારીઓએ ફગાવી દઈ મંડળના આદેશને વળગી રહી તે અન્વયે કામગીરી ન કરવા લેખીત આપી દેતા વ્યારા નગરની કોરોના અંતર્ગતની કામગીરી ખોરંભે પડી છે.
તાપી જીલ્લાની ૯૪ જેટલી આરોગ્ય કાર્યકરોની ખાલી જગ્યાઓ પૈકી વ્યારા નગરપાલિકાની ચાર આરોગ્ય કાર્યકર (એસ.આઈ.)ની ખાલી જગ્યા આઉટસોર્સિંગથી ભરવા તા.૨૨.૪.૨૦૨૦થી મંજુરી મળી છે. આ બાબતે રાજ્ય સરકારની આરોગ્ય કમિશ્રનરની કચેરીથી વારંવાર લેખીત તથા સરકારશ્રી દ્વારા સચિવ કક્ષાની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પણ આરોગ્ય સેવા અને કોરોના સર્વેલન્સ ન ખોરવાઈ તે માટે સુચનાઓ આપીને જીલ્લાના જવાબદાર અધિકારીઓને સુચના આપવા છતાં સરકારનાં હુકમોનુ પાલન ના કરતા તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા તા. ૧૩.૭.૨૦૨૦થી મંજુર મહેકમની ખાલી જગ્યાઓ પર કામગીરી ન કરવા આદેશ કરવામાં આવેલ છે. હાલ તાપી જીલ્લામા ખાસ કરીને વ્યારા નગર ખાતે કોરોના સંકૃમિત દર્દીઓમા અચાનક વધારો થતા મેન પાવરની અછત સર્જાતા તાલુકા આરોગ્ય અધિકારી તથા જીલ્લાના અધિકારીઓ કામગીરી કરાવવા આનુસંગિક હુકમો કરવા મજબુર બન્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય જીલ્લાઓમાં આ જગયાઓ અગ્રીમતાના ધોરણે ભરાય ગઈ છે. એપ્રીલ માસમા ઉપરોક્ત ખાલી જગ્યા ઓ ભરવા અંગે તાપી જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળની રજુઆતને અવગણતા હવે ૧૭૦ કરતા વધારે કોરોના પોઝીટીવ ખાસ કરીને વ્યારા નગર ખાતે સંક્રમણ વધતા કોરોના સર્વેલન્સ તથા આર.ટી.પી.સી.આર. અને એન્ટી રેપીડ ટેસ્ટના ટાર્ગેટ પુર્ણ ના થતા આરોગ્યની સેવાઓ ખોરંભે પડી છે.
ગામ્ય કક્ષાના આરોગ્ય કર્મચારીઓને નગરમાં કામગીરી સોંપવામાં આવતા ગામડાઓમાં આરોગ્ય સેવા પ્રભાવીત થવા સંભવ છે, તાજેતરમાં ડોલવણ તાલુકાના કલકવા ખાતે કોરોનાના ત્રણ કેસો પોઝીટીવ આવતા તે જગ્યા આઠ વર્ષથી ખાલી હોવાનું ધ્યાને આવેલ હતુ. ત્યારે હવે તાકીદે ખાલી જગ્યા ભરાય તેવી માગણી મંડળના પ્રમુખ સુરેશ ગામીત, મુખ્ય કન્વીનર રિબેકા માટે, મંત્રી સંજીવ પટેલ કરી રહયા છે.