ડાંગ જિલ્લામાં “કોવિદ-૧૯” ને અનુલક્ષીને સાદગીપૂર્ણ માહોલમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવાશે
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વઘઇ; તા; ૩૦; “કોરોના”ના સંભવિત સંક્રમણને ધ્યાને લેતા આગામી સ્વાતંત્ર્ય પર્વની ડાંગ જિલ્લામાં સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવા અંગે માર્ગદર્શન આપતા ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોરે સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઇ, ઉજવણી દરમિયાન ખુબ જ સાવચેતી અને સલામતી સાથે સોશિયલ ડીસ્ટન્સ, માસ્ક અને સેનેટાઇઝરનો ફરજીયાત પણે ઉપયોગ કરવાનો રહેશે તેમ સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.
જિલ્લા સેવા સદન, આહવા ખાતે યોજાયેલી સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી સમિતિની બેઠકમાં કલેકટરશ્રીએ આ વર્ષે જિલ્લા કક્ષાની ઉજવણી આહવા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે, વઘઈ તાલુકાની ઉજવણી ચીન્ચીનાગાવઠા ખાતે, સુબીર તાલુકાની ઉજવણી જામન્યામાળ ખાતે કરવા સાથે નોટીફાઇડ વિસ્તાર સાપુતારા, અને જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો ખાતે સાદગીપૂર્ણ રીતે સ્વાતંત્ર પર્વની ઉજવણી કરશે તેમ જણાવ્યું હતું.
“કોવિદ-૧૯” સંદર્ભે મળેલી ભારત સરકાર અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ નિયત પ્રોટોકોલ સાથે કાર્યક્રમની ગરિમા મુજબ ઉજવણી કરવા અંગેનું સુક્ષ્મ માર્ગદર્શન આપતા શ્રી ડામોરે ધ્વજવંદન, મહાનુભાવનું પ્રવચન, રાષ્ટ્ર્ગાન, “કોરોના વોરીયર્સ”નું સન્માન, અને વૃક્ષારોપણ જેવા મુખ્ય કાર્યક્રમોનું આયોજન કરવા જણાવ્યું હતું.
“કોરોના” સંક્રમણને ધ્યાને લેતા કલેકટર શ્રી એન.કે.ડામોરે ડાંગ જીલ્લાના સરકારી કર્મચારી/અધિકારીઓને તેમના કાર્ય મથકે જ નિવાસ કરવાની તાકીદ કરી, અપડાઉન ન કરવાની સુચના આપી છે. સંબંધિત કચેરીના અધિકારી દ્વારા તેમના કોઈ પણ કર્મચારીઓ અપડાઉન કરતા નથી તે મતલબનું પ્રમાણપત્ર રજુ કરવાની પણ તાકીદ કરી છે.
ડાંગ જિલ્લામાં જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના હસ્તે ધ્વજવંદન નો કાર્યક્રમ યોજાશે તેમ જણાવી શ્રી એન.કે.ડામોરે સરકારી હોસ્પિટલોની મર્યાદા અને ખાનગી હોસ્પિટલોના ખર્ચને ધ્યાને રાખી, દરેક નાગરીક “કોરોના” સામે પોતાને તથા તેમના કુટુંબ અને સમાજને સલામત રાખે તે આવશ્યક છે તેમ પણ વધુમાં જણાવ્યું હતું. ખાસ કરીને બાળકો અને વડીલોને બિન જરૂરી ઘરની બહાર ન નીકળવા બાબતે કાળજી લેવાની અપીલ કરતા કલેકટરશ્રીએ સૌને સ્વસ્થ અને સલામત જીવનશૈલી અપનાવવા ઉપર પણ ભાર મુક્યો હતો.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણીયા, નાયબ વન સંરક્ષક શ્રી અગ્નિસ્વર વ્યાસ, નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સર્વશ્રી વસવા અને કવા સહિતના ઉચ્ચાધિકારીઓએ જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
–