નંદેશ્વર ગૌશાળા ઓવિયાણ, જિલ્લા સુરત ખાતે ૩૫૦૦ થી વધુ ગાયોનું પાલન કરવામાં આવે છે, રાજય સરકાર તરફથી જાહેર કરાયેલ સહાય ન ચૂકવાતા વહીવટદારો મુશ્કેલીમાં
( નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : નદેશ્વર ગૌશાળા ઓવિયાણ, જિલ્લા સુરત ખાતે ૩૫૦૦ થી વધુ ગાયોનું પાલન કરવામાં આવે છે, પરંતુ એક ગાય માતા દીઠ ૨૫ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે, છતાં આજ દિન સુધી આ સહાય ચુકવવામાં આવી નથી તે પ્રશ્ને તથા દર મહિને ૩૦ થી ૩૫ ગૌમાતા ગોલોક સિધાવે છે, આ ગૌ માતાના અંતિમ નિકાલની વ્યવસ્થા કરવા અંગે, સુરત જિલ્લા પંચાયતનાં સભ્ય દર્શન ભાઈ નાયક દ્વારા સુરતનાં કલેક્ટર, સુરત મ્યુનિસિપલ કમિશ્નર, સુરત મહાનગર પાલિકા તથા સુરત જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી. અગાઉ ગો માતાનાં અંતિમ નિકાલની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી કરવામાં આવતી હતી જે છેલ્લા ત્રણ વર્ષથી બંધ કરી દેવામાં આવી છે. ૩૫૦૦ ગાયોમાંથી માત્ર ૧૦ થી ૧૨ ગાયો જ દૂધ આપે છે જેથી આવક પણ કોઈ નથી. દર્શનભાઈ નાયકે આ પ્રશ્ન હલ કરવા અને જે ગાય દીઠ સહાય મળે છે તે તાકીદે ચુકવવામાં આવે એવી માંગ કરી છે.