તાપી જિલ્લા આયોજન મંડળ હેઠળ રૂપિયા ૯૦૦ લાખ અને આદિજાતી વિકાસ માટે અંદાજે રૂપિયા ૩૪૫૩ લાખના વિકાસ કામોનું આયોજન મંજુર કરાયું
પ્રભારી મંત્રીશ્રી યોગેશભાઇ પટેલે વિડિયો કોન્ફરન્સથી બેઠકમાં ભાગ લીધો:
પ્રાથમિક સુવિધાની બાબતોને પ્રાધાન્ય આપી વિકાસકામોનું આયોજન સુચન:
તાપી જિલ્લા આયોજન અને આદિજાતી વિકાસ મંડળની બેઠક યોજાઇ:
(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા: શુક્રવાર: તાપી જિલ્લામાં વ્યારા ખાતે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા આયોજન અને આદિજાતી વિકાસ મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા આયોજન મંડળના રૂપિયા ૯૦૦ લાખ તથા આદિજાતી વિકાસ માટે અંદાજે રૂપિયા ૩૪૫૩ લાખના વિવિધ વિકાસ કામોનું આયોજન મંજુર કરાયું હતું. રાજયના નર્મદા, શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી અને તાપીના પ્રભારીમંત્રીશ્રી યોગેશભાઇ પટેલે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકને સંબોધી હતી. બેઠકમાં ઉપસ્થિત પદાધિકારી/અધિકારીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, તમામ અમલીકરણ અધિકારીઓ અને ચૂંટાયેલા પદાધિકારીઓ પરસ્પર સંકલન જાળવવા ઉપરાંત હકારાત્મક અભિગમ અપનાવી સમયમર્યાદામાં ગુણવત્તાયુકત વિકાસકામો થાય એની તકેદારી રાખે. તેમણે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, વીજળી, પીવાનું પાણી, સિંચાઇનું પાણી જેવી પ્રાથમિક સુવિધાની બાબતોને પ્રાધાન્ય આપી વિકાસકામોનું આયોજન કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.
બેઠકમાં કલેકટર આર.જે હાલાણીએ જણાવ્યું હતું કે, લોક કલ્યાણલક્ષી આ કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય, મંજૂર કરવામાં આવેલા કામોને તાત્કાલિક વહીવટી મંજૂરી આપી દેવા સબંધિત અધિકારીઓને સુચના આપી હતી. તેમણે પ્રગતિ હેઠળના કામોને ઝડપથી પૂર્ણ કરવામાં આવે તથા શરૂ ન થયેલા કામોને તાત્કાલિક શરૂ કરી દેવા સૂચના આપી અમલીકરણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.
આ બેઠકમાં ઉચ્છલ તાલુકાનું રૂા. ૧૨૫ લાખ, નિઝર તાલુકાનું રૂા. ૧૦૦ લાખ, ડોલવણ તાલુકાનું રૂા. ૧૨૫ લાખ, કુકરમુન્ડા તાલુકાનું ૧૨૫ લાખ, વાલોડ તાલુકાનું રૂા. ૧૦૦ લાખ, વ્યારા તાલુકાનું રૂા. ૧૨૫ લાખ, સોનગઢ તાલુકાનું રૂા. ૧૫૦ લાખ, સોનગઢ નગરપાલિકાનું રૂા. ૨૫ લાખ અને વ્યારા નગરપાલિકાનું રૂા. ૨૫ લાખનું આયોજન મળી કુલ રૂા. ૯૦૦ લાખનું આયોજન મંજૂર કરવામાં આવ્યું હતું.
જયારે આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં સોનગઢ તાલુકાનું રૂા. ૯૩૨.૧૯ લાખ, વ્યારા તાલુકાનું રૂા. ૬૯૦.૫૧ લાખ, ડોલવણ તાલુકાનું રૂા. ૪૮૩.૩૫ લાખ, વાલોડ તાલુકાનું રૂા. ૩૪૫.૨૫ લાખ, ઉચ્છલ તાલુકાનું રૂા. ૪૪૮.૮૨ લાખ, નિઝર તાલુકાનું રૂા. ૨૭૬.૨૨ લાખ, કુકરમુન્ડા તાલુકાનું રૂા. ૨૭૬.૨૨ લાખ મળી કુલ રૂપિયા ૩૪૫૨.૫૬ લાખનું આયોજન મંજુર કરવામાં આવ્યું હતું.
બેઠકમાં આ ઉપરાંત વિકેન્દ્રીત આયોજનની વિવિધ જોગવાઈ તથા એટીવીટી હેઠળના વર્ષ ૨૦૧૮-૧૯ તથા ૨૦૧૯-૨૦ના બાકી તથા પ્રગતિમાં રહેલા અને સાંસદશ્રીના કામોની તેમજ આદિજાતી વિકાસ હેઠળ ન્યુ ગુજરાત પેટર્ન યોજનાના ૨૦૧૯-૨૦ના બાકી કામોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગજરાબેન ચૌધરી, ધારાસભ્ય સર્વશ્રી મોહનભાઇ ઢોડિયા, પુનાજીભાઇ ગામીત, સુનિલભાઇ ગામીત, જિલ્લા વિકાસ અધિકારી નેહાસિંઘ, પોલીસ અધિક્ષક એન.એન.ચૌધરી, ડી.સી.એફ. આનંદકુમાર, અધિક નિવાસી કલેક્ટર બી.બી.વહોનીયા, પ્રાયોજના વહીવટદાર વિજયભાઇ પટેલ, તાલુકા પંચાયત/નગર પાલિકાના પ્રમુખો, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
——-