તાપી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા માટે તકેદારીના ભાગરૂપે અપડાઉન કરવા પર પ્રતિબંધ
(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા; રવિવાર: નોવેલ કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના તા.૧૩/૦૩/૨૦૨૦ના જાહેરનામાથી ધી એપેડેમીક ડીસીઝ એક્ટ – ૧૮૯૭ અન્વયે The Gujarat Epidemic Diseases Covid-19 Regulations – 2020 જાહેર કરેલ છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે.
જે વ્યક્તિઓ તાપી જિલ્લામાં વ્યારા સહિત વિવિધ સરકારી કચેરીઓ-ખાનગી/સહકારી સંસ્થાઓમાં નોકરી ધંધો-વ્યવસાય કરતા હોય અને સુરત- પલસાણા-બારડોલી-માંડવી-વાલોડ સહિત અન્ય જગ્યાએથી રોજ અવર-જવર કરતા હોય એજ રીતે વ્યારાથી પણ ઘણા લોકો અન્ય વિસ્તારમાં નોકરી કામ ધંધાર્થે અવરજવર કરતા હોય છે. તેઓ રોજ ઘણા લોકોના સંપર્કમાં આવતા હોય છે. ત્યારે તાપી જિલ્લામાં તેમાંય વ્યારા નગરમાં છેલ્લા પંદર દિવસોથી વધેલા કોરોના કેસોમાં દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી જોતાં સુરતના લોકો સાથે વધુ સંપર્કમાં હોવાનું જણાયું છે.
આ બાબતને જોતા તાપી જિલ્લામાં આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા કલેક્ટરશ્રી આર.જે.હાલાણી દ્વારા અન્ય જિલ્લા/વિસ્તારમાંથી અપડાઉન કરતા કર્મચારીઓ પર પ્રતિબંધ મુકવામાં આવનાર છે. તેથી આવા રોજની અવર-જવર કરતા વ્યક્તિઓએ જે તે નોકરી-ધંધાના સ્થળે જ તાત્કાલિક રહેઠાણની વ્યવસ્થા કરી લેવી. આ માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી પણ જરૂરી સહકાર આપવામાં આવશે. અન્યથા ચેક પોસ્ટ પર ચેકીંગ દરમ્યાન કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાશે તો સરકારી કોરોન્ટાઈન સેન્ટરમાં ૧૪ દિવસ માટે કોરોન્ટાઈન કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી.
……