સુરતના નિ:શુલ્ક ‘કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર’ મોડેલને રાષ્ટ્રીય કક્ષાએ અપનાવાશે કોરોના નિયંત્રણ માટે સુરતનું CCIC મોડેલ બન્યું હવે દેશનું રાષ્ટ્રીય મોડેલ : સુરતમાં ૦૭ સમાજના કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરોમાં કુલ ૭૬૬ બેડ ઉપલબ્ધ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરતમાં સાત સ્થળોએ સામાન્ય લક્ષણ ધરાવતા કોરોના દર્દીઓની સારવાર માટે રાજ્ય સરકારની ગાઈડલાઈન્સ મુજબ દેશભરમાં નવતર પહેલરૂપે કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટરની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ભારતમાં પહેલી વાર સુરતમાં અમલી બનેલા સામૂહિક આઈસોલેશનના કોન્સેપ્ટની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવામાં આવી છે. સુરતના નિ:શુલ્ક ‘કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર’ મોડેલને રાષ્ટ્રીય કક્ષાએ માન્યતા મળી ચૂકી છે. સુરત અને રાજ્ય માટે ગૌરવ સમાન સુરતનું CCIC મોડેલ હવે કોરોના નિયંત્રણ માટે દેશનું રાષ્ટ્રીય મોડેલ બન્યું છે. દેશભરમાં આ પ્રકારના જ્ઞાતિસમૂહ આધારિત સામૂહિક કોવિડ સેન્ટરની સ્ટ્રેટેજીને વ્યાપક રીતે અપનાવવામાં આવશે, કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે સુરતના CCIC કોન્સેપ્ટને દેશભરમાં લાગુ કરવા માટે ૧૭મી જુલાઈના રોજ માર્ગદર્શિકા બહાર પાડીને દરેક રાજ્યની રહેણાંક સોસાયટીઓ, સામાજિક સંસ્થાઓ, જ્ઞાતિ સમૂહોને સુરતમાં ઊભા કરાયા છે એ પ્રકારના કોમ્યુનિટી બેઝ કોવિડ કેર સેન્ટર સ્થાપવા માટે પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે. હાલમાં સુરતના પાટીદાર સમાજ, વાટલીયા પ્રજાપતિ સમાજ, આહિર સમાજ, વ્હોરા સમાજ, જૈન સમાજ, વૈષ્ણવ તેમજ રાણા સમાજ દ્વારા પોતાના સમાજબંધુઓ માટે કુલ ૭૬૬ બેડની સુવિધાયુક્ત ખાસ કોમ્યુનિટી સેન્ટર ઊભા કરવામાં આવ્યાં છે. આ સુવિધામાં દરેક દર્દીઓને નિઃશુલ્ક બેડ, દવાઓ, પૌષ્ટિક ભોજન, નાસ્તો, પાણી અને ડોક્ટરની સુવિધાઓ સાથે એમ્બ્યુલન્સની સુવિધાઓ કરવામાં આવી છે. તમામ સેન્ટરોને સિવિલ હોસ્પિટલના આરોગ્ય તંત્ર સાથે લિંકઅપ કરવામાં આવ્યાં છે. અહીં દાખલ દર્દીને ઈમરજન્સી મેડિકલ સેવા પણ મળી રહેશે, હાલ આ વ્યવસ્થામાં સહયોગી બનતાં સુરતના પાટીદાર સમાજ દ્વારા ૭૯, વાટલીયા પ્રજાપતિ સમાજ દ્વારા ૭૦, આહિર સમાજ દ્વારા ૫૦, વ્હોરા સમાજ દ્વારા ૫૦ તેમજ રાણા સમાજ દ્વારા ૫૦, જૈન સમાજ દ્વારા ૬૦, વૈષ્ણવ સમાજ દ્વારા ૫૦ બેડ મળી કુલ ૭૬૬ બેડની સુવિધા ધરાવતાં કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર કાર્યરત છે. મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા ૧૨૫ અને કોશિશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ ૫૦ બેડના કોવિડ સેન્ટર બનાવી આ પહેલ હેઠળ જોડાયા છે. સુરતમાં રહેતા અન્ય સમાજના લોકો ‘કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટર’ ઊભું કરવાં ઇચ્છતાં લોકોને આર.જે.માંકડિયા, મો. ૬૩૫૯૯૦૯૯૪૬ નો સંપર્ક સાધવા જણાવાયું છે.